અમદાવાદ, 21 મે 2024, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે સમગ્ર રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે. ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. ચાર દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે અને ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે. રાજ્યમાં હિટવેવના કારણે હિટ સ્ટ્રોકના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમ જેમ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે એમ એમ હિટ સ્ટ્રોકના કેસો પણ વધી રહ્યા છે અને અત્યાર સુધી હિટ સ્ટ્રોકના કુલ 72 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્રારા દરરોજ 2,375 સેન્ટર પરથી માહિતી એકત્ર કરવામાં આવે છે. આ માહિતી પ્રમાણે 17 એપ્રિલ બાદ હિટ સ્ટ્રોકના રોજ 70-80 કેસો નોંધાયા છે અને 19 મેના રોજ સૌથી વધુ 100થી વધુ કેસ નોંધાયા હતા.તાપમાનમાં વધઘટ થવાને કારણે ચામડી અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કેસ વધ્યા છે.
ફિલ્ડ વર્ક કરતા લોકોને ડીહાઇડ્રેટ થતા શ્વાસ લેવામાં તકલીફ
ગરમી વધવાની સાથે હીટસ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે. છેલ્લા 19 દિવસમાં ગરમીથી ચક્કર આવવા, માથું દુ:ખવું, પેટમાં દુખાવો થવો, બેભાન થવાના 5 હજારથી વધુ કેસ મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાયા છે.રેડ એલર્ટને પગલે મ્યુનિ.એ બાંધકામ સાઇટ પર કામ કરતાં મજૂરો માટે બપોરે 12થી 4 દરમિયાન કામગીરીમાંથી મુક્તિ માટે સંબંધિત કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે. 48 વોર્ડમાં પણ પાણીની પરબ ઊભી કરવામાં આવશે.અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના કેસ માટે અલાયદા વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના વડા ડો.પપ્પુસિંઘે જણાવ્યું હતું કે, હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત હસ્તકનાં 54 આરોગ્ય કેન્દ્રની 54 ગાડી ગ્રામ્ય વિસ્તારોમાં દોડાવવાનું શરૂ કર્યું છે. તાપમાન વધઘટ થવાને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર ખુબ મોટી અસર થઇ રહી છે. ફિલ્ડ વર્ક કરતા લોકોને ડીહાઇડ્રેટ થતા શ્વાસ લેવામાં તકલીફના કેસ વધ્યા છે.
અમદાવાદ શહેરમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતા
આગામી પાંચ દિવસ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની કોઈ પણ સંભાવના નથી. રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગતરોજ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત આગામી પાંચ દિવસ માટે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આજે પણ અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતા છે. આથી જો બપોર દરમિયાન વધુ પડતો સમય સીધા તડકાના સંપર્કમાં રહ્યા તો હોસ્પિટલ જવાનો વારો આવી શકે છે. આજે સવારે 8 વાગ્યાથી જ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સવારે 9 વાગ્યે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
આ પણ વાંચોઃગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી પહોંચ્યું, જાણો શું છે હવામાન વિભાગની આગાહી