ડોડામાં સુરક્ષાદળો પર હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર, માહિતી આપનારને લાખોનું ઇનામ
- માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ કરાયું જાહેર
- ડોડા જિલ્લામાં 16 જુલાઈના રોજ થયો હતો આતંકી હુમલો
જમ્મુ, 27 જુલાઈ : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પોલીસે 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ડોડાના ઉપરી વિસ્તારોમાં હાજર છે. તાજેતરમાં જ ડોડાના ઉરાર બાગી વિસ્તારમાં બનેલી આતંકવાદી ઘટનામાં તેઓ સામેલ હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે દરેક આતંકવાદી વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કર્યું છે.
‘કાશ્મીર ટાઈગર્સ’ દ્વારા હુમલાની લેવાઈ હતી જવાબદારી
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં 16 જુલાઈના રોજ આતંકી હુમલો થયો હતો, જેમાં એક કેપ્ટન અને અન્ય ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના શેડો ગ્રુપ ‘કાશ્મીર ટાઈગર્સ’ દ્વારા લેવામાં આવી હતી. ડોડા ઉરારી બાગી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર દરમિયાન આ ઘટના બની હતી. ફાયરિંગમાં બે જવાન ઘાયલ પણ થયા હતા.
આ પણ વાંચો : વિજય માલ્યાને SEBIએ આપ્યો મોટો ઝટકો, લગાવ્યો 3 વર્ષનો પ્રતિબંધ, શા માટે?
ડોડામાં થયેલો આતંકવાદી હુમલો એ તાજેતરના મહિનાઓમાં જમ્મુ ક્ષેત્રમાં થયેલી અનેક આતંકવાદી ઘટનાઓમાંની એક હતી. 2024 ની શરૂઆતથી, જમ્મુ પ્રાંતના છ જિલ્લામાં લગભગ એક ડઝન આતંકવાદી હુમલાઓની ઘટનાઓ સામે આવી છે. સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓને ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર
જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં આતંકવાદનો સતત ખતરો ભારત સરકાર માટે મુખ્ય સુરક્ષા ચિંતાનો વિષય છે. આજે શનિવારે જ કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક જવાન શહીદ થયો હતો અને મેજર રેન્કના અધિકારી સહિત ચાર જવાન ઘાયલ થયા હતા. જવાનોએ એક આતંકીને પણ ઠાર કર્યો હતો.
આ પણ વાંચો : CAAના પ્રચાર મામલે PM સહિત ભાજપના ટોચના નેતાઓ વિરુદ્ધ HCમાં અરજી, રાજ્ય સરકારને નોટિસ