અમદાવાદની છ વર્ષીય તક્ષવી વાઘાણીએ રચ્યો ઈતિહાસ: સ્કેટિંગમાં બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
- તક્ષવી વાઘાણીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં 25 મીટરથી વધુનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
અમદાવાદ, 19 એપ્રિલ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ 6 વર્ષની ઉંમરે એવી સિદ્ધિ મેળવી છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. તેણીએ ખૂબ જ નાની ઉંમરમાં કંઈક એવું કરી બતાવ્યું છે કે જેનાથી તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. તક્ષવીએ લોએસ્ટ(Lowest) લિમ્બો સ્કેટિંગમાં અજાયબી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં 25 મીટરથી વધુનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તેણે માત્ર પોતાનું નામ જ નહીં પરંતુ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.
New record: Lowest limbo skating over 25 metres – 16 cm (6.29 in) achieved by Takshvi Vaghani 🇮🇳 pic.twitter.com/X7tSafFSH9
— Guinness World Records (@GWR) April 18, 2024
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે કરી પુષ્ટિ
તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં અજાયબી કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ વાતની પુષ્ટિ કરતા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે એક વીડિયો શેર કર્યો છે, જેમાં છ વર્ષની તક્ષવી સ્કેટિંગ કરતી જોવા મળી રહી છે. વીડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું હતું કે, ’25 મીટરથી વધુનું લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ.’ આ રેકોર્ડ બ્રેકિંગ સિદ્ધિ ગયા વર્ષે 10 માર્ચે હાંસલ કરવામાં આવી હતી.
તક્ષવીએ મનસ્વીનો રેકોર્ડ તોડ્યો
અમદાવાદની તક્ષવી પહેલા આ રેકોર્ડ પુણેની મનસ્વી વિશાલના નામે હતો. સાડા ત્રણ વર્ષની ઉંમરે, તેણીએ 25 મીટરથી વધુની લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કરીને બધાને પ્રભાવિત કર્યા હતા. તેણીએ જમીનથી માત્ર 16.5 સેન્ટિમીટરની ઉંચાઈ જાળવીને 25 મીટરના અંતર સુધી ગ્લાઈડ કર્યું હતું.
સૃષ્ટિ પણ પાછળ નથી
તક્ષવી અને મનસ્વી ઉપરાંત, 18 વર્ષની સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્માએ પણ લિમ્બો સ્કેટિંગની દુનિયામાં અજાયબી કરીને બતાવી છે. જુલાઈ 2023માં, તેણીએ 50 મીટરથી વધુની સ્કેટિંગમાં ઓછો સમય લઈને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. તેણીએ આ અંતર 6.94 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું. તેણીએ 2021માં બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડીને આ સિદ્ધિ મેળવી હતી.
આ પણ જુઓ: આલિયા ભટ્ટ, સાક્ષી મલિક પ્રભાવશાળી વ્યક્તિઓની TIMEની યાદીમાં સામેલ: બીજા કયા ભારતીયો છે જાણો