અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ હુમલો 19 વર્ષના છોકરાએ કર્યો હતો. એટલું જ નહીં તેણે આ ઘટનાને ફેસબુક પર લાઈવ સ્ટ્રીમ પણ કરી હતી. આ દરમિયાન 2 લોકોના મોત થયા હતા.
પોલીસે જણાવ્યું કે આરોપીઓએ અજાણ્યા લોકો પર ફાયરિંગ કર્યું હતુ. એક અધિકારીએ કહ્યું- આરોપી મેમ્ફિસ શહેરમાં હથિયાર સાથે ફરતો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અમે તેની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ફાયરિંગ સમયે આરોપીએ મને ન્યાય જોઈએ છે તેવું કહેતો પણ સંભળાયો હતો.
આરોપી ગ્રે કલરની કારમાં ફરાર થઈ ગયો હતો
પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ ઈઝેકીલ કેલી છે. અધિકારીએ કહ્યું- તે હુમલાના લાંબા સમય બાદ પકડાયો છે. અમે તેને પકડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. કારણ કે તે વારંવાર કાર બદલતો હતો. તે સૌપ્રથમ વાદળી કારમાં જોવા મળ્યો હતો. તે છેલ્લે ગ્રે રંગની કારમાં જોવા મળ્યો હતો. ફાયરિંગના સમાચાર મળતા જ અમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
મહિલાને ગોળી મારી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગ્રે રંગની કાર ચોરતી વખતે આરોપીએ તેમાં બેઠેલી એક મહિલા પર હુમલો કર્યો હતો. તે મહિલાની સ્થિતિ વિશે અમારી પાસે અત્યારે માહિતી નથી. પોલીસે કહ્યું- આરોપીઓએ ફાયરિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતુ. ફેસબુક લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે તે એક દુકાનમાં ગયો અને ત્યાં તેણે એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. FOX13 ન્યૂઝ અનુસાર હુમલાખોરે 5 લોકોને ગોળી મારી હતી.જેમાંથી 2 લોકોના મોત થયા છે.
હેન્ડગન લઈને હુમલાખોર ફરી રહ્યો હતો
પોલીસે જણાવ્યું કે હુમલાખોર પાસે હેન્ડગન હતી. તેણે ગેસ સ્ટેશન પર એક વ્યક્તિને પણ ગોળી મારી હતી. પોલીસ અધિકારીએ કહ્યું- અમે હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની કુલ સંખ્યા હજુ સુધી જાણી શક્યા નથી. વીડિયોમાં આરોપી ‘મને ન્યાય જોઈએ છે’ કહેતો સાંભળવા મળે છે. અમે તે પણ જાણવા મળ્યું કે તે કોઈ બાબત વિશે ઉદાસ હતો. તેણે આવું કેમ કર્યું? અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ.