શંકરસિંહ વાઘેલાએ કાગવડ શ્રીખોડલધામ મંદિરમાં દર્શન કર્યા, રૂપાલા વિશે આપ્યું નિવેદન
રાજકોટઃ 14 મે 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો સામેના વિવાદિત નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોનો વિરોધ જોવા મળ્યો હતો. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં આવ્યા હતા.ચૂંટણી પૂર્ણ થતાં શંકરસિંહે અચાનક કાગવડ ખાતેના ખોડલધામ મંદિરે દર્શન કર્યા હતાં. નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ તેમનું ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું. ત્યારબાદ શંકરસિંહે નરેશ પટેલ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.
એક કામ હતું એ પૂર્ણ થયું છે અને તેમા પાર્ટ ટુ અને થ્રી ના હોય
ગોંડલના સુલતાનપુર ગામે શંકરસિંહ વાઘેલા ગોંડલિયા પરિવારની સપ્તાહમાં જતા હતા. એ દરમિયાન ખોડલધામ મંદિરે દર્શન કર્યા બાદ તેઓ સપ્તાહમાં જવા રવાના થયા હતા. ત્યારે વચ્ચે કાગવડમાં સ્થિત ખોડલધામ મંદિર આવતાં તેમણે માનાં દર્શન કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલને પણ આમંત્રણ હોવાથી સાથે જઈએ એ ઉદ્દેશથી આવ્યા છે.શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર રાજકોટ લોકસભાની ચૂંટણી માટે ક્ષત્રિયોની સંકલન સમિતી નહોતી બની. એક કામ હતું એ પૂર્ણ થયું છે અને તેમા પાર્ટ ટુ અને થ્રી ના હોય.
માતાજીના સાંનિધ્યમાં માની જ વાત કરવી સારી
સંકલન સમિતિ વિશે પ્રશ્ન પૂછતાં શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે ખોડલધામમાં મા ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિના મિત્રો મળવાના છે. આ સમિતિ કાયમી સમિતિ છે. ફક્ત એક કામ માટે આ સમિતિ ન હતી. જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસથી એક કામ પૂર્ણ થાય છે, સાથે જ પાર્ટ- 2, પાર્ટ-3 એવું કંઈ ન હોય. કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી એવી મને માહિતી છે. ભાજપના સહકારી મેન્ડેન્ટ આપવા બાબતે પૂછતાં તેમણે કહ્યું હતું કે હું અત્યારે એમાં નથી દરેકની ચડતી પડતી આવે, ટાઈમ હોય, મર્યાદા હોય, ભાજપનું કલાઈમેક્સ આવી ગયું છે એટલે માતાજીના સાંનિધ્યમાં માની જ વાત કરવી સારી.
આ પણ વાંચોઃIFFCOની ચૂંટણીના વિવાદ વચ્ચે ભાજપના દિગ્ગજો એક મંચ પર, રૂપાલા પણ હાજર રહ્યાં