ગુજરાતટોપ ન્યૂઝ

સરપ્રાઈઝ ચેકિંગના સાત દિવસ પૂર્ણ, જેલોમાં મળેલ પ્રતિબંધિત સામાન અંગે પોલીસનું મૌન

Text To Speech

ગુજરાતની હાઈટેક જેલોમાં થોડા દિવસ અગાઉ મોડીરાત્રે ઓચિંતુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેલમાંથી મોટી સંખ્યામાં પ્રતિબંધિત સામગ્રી પણ મળી આવી હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સાત દિવસ પછી પણ કેદીઓ સહિત એક પણ જવાબદાર આરોપીનું નામ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.  24 માર્ચની રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે અચાનક બેઠક યોજીને રાજ્યભરની જેલોમાં સરપ્રાઈઝ ચેકિંગના આદેશ આપ્યા હતા. જે અંતર્ગત રાજ્યની હાઈટેક ગણાતી મોટી જેલો જેવી કે સાબરમતી જેલ અને સુરતની લાજપોર જેલમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં જેલમાં તપાસ માટે દાખલ થયા હતા.

આ પણ વાંચો : આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ઈ-રીટ સેવા લાગુ, વકીલોને ઓર્ડરની નકલ ઈ-મેલ પર મળશે
પોલીસની આ કાર્યવાહીથી જેલોમાં ખળભળાટ મચી ગયો હતો. લાજપોર જેલમાં તો કેદીઓએ એક બેરેકમાં આગ પણ લગાવી દીધી હતી. બાદમાં ઉચ્ચ અધિકારીઓએ પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો બનાવી એક સાથે તમામ બેરેકમાં કેદીઓના સામાનની તલાશી લીધી હતી. આ ઉપરાંત શૌચાલય સહિત વિવિધ સ્થળોએ વ્યાપક સર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસને લાજપોર જેલ પરિસરમાંથી ગાંજા, ચરસ, મોબાઈલ, તમાકુ અને અન્ય પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. પોલીસની ટીમો દ્વારા કોઈપણ કેદીના કબજામાંથી આમાંથી કોઈપણ સામગ્રી મળી આવી નથી. સાબરમતી જેલમાંથી પણ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આ પ્રતિબંધિત સામાન જેલોમાં ક્યાંથી આવ્યો તે મામલે હજુ સુધી કોઈ જાણકારી બહાર આવી નથી.

આ પણ વાંચો : શુક્રવારે સાંજે ગુજરાતની જેલોમાં થયેલ સરપ્રાઈઝ ચેકિંગમાં શું મળ્યું ? જાણો સંપૂર્ણ વિગત
લાજપોર જેલમાં મળેલ પ્રતિબંધિત સામગ્રી અંગે સ્થાનિક સચિન પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા. એક ડ્રગ્સ માટે અને બીજો મોબાઈલ ફોનના ઉપયોગ માટે નોંધાયેલ હતો. ડ્રગ સંબંધિત કેસની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને સોંપવામાં આવી હતી જ્યારે મોબાઈલ ફોન સંબંધિત કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. સાબરમતી જેલમાં મળી આવેલ પ્રતિબંધિત સામગ્રી મામલે પણ હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરપ્રાઈઝ ચેકિંગની જાણ અગાઉથી જ લગતા વળગતા કર્મીઓને થઈ ગઈ હતી.

Back to top button