ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચનો બીજો દિવસ, દિલ્હીની 5 સરહદો સીલ

  • વિરોધ કરી રહેલા ખેડૂતો પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ટ્રેક્ટર-ટ્રોલી સાથે તૈયાર
  • સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર સિમેન્ટ અને લોખંડનું બેરિકેડિંગ કરાયું

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: ખેડૂતોની ‘દિલ્લી ચલો’ કૂચનો આજે બીજો દિવસ છે. વિરોધ કરી રહેલા ખેડૂતો પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ટ્રેક્ટર ટ્રોલી સાથે ઉભા રહી ગયા છે. ખેડૂતો આખી રાત સરહદ પર રહ્યા હતા. રાત્રે ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. હરિયાણા પોલીસનું કહેવું છે કે, ખેડૂતોને કોઈપણ સંજોગોમાં રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ દરમિયાન દિલ્હી-NCRમાં ખેડૂતોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ-જેમ દિલ્હી પોલીસ વિરોધ કરી રહેલા ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા રોકવાની તૈયારી કરી રહી છે. સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે. આ સરહદો પર સિમેન્ટ અને લોખંડનું બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે.

દિલ્હીની તમામ સરહદોની મજબૂત કિલ્લેબંધી

 

ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચને ધ્યાનમાં રાખીને, ટિકરી-સિંઘુ અને શંભુની સરહદો સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે જેથી ખેડૂતો તેમના ટ્રેક્ટર અને ટ્રોલીઓ સાથે રાજધાનીમાં પ્રવેશી શકશે નહીં. યુપી સાથેની ચિલ્લા-ગાઝીપુર બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર બેરીકેટ્સ, લોખંડની ખીલીઓ અને કોંક્રીટ બેરીકેટ્સ લગાવવામાં આવ્યા છે.

 

ખેડૂતોના વિરોધને જોતા ટીકરી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ખેડૂતોને રોકવા માટે પોલીસે કાંટાળા તાર, કન્ટેનર સહિત અન્ય ઘણી વ્યવસ્થા કરી છે. જ્યારે આજે બુધવારે સવારે ગાઝીપુર બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ ખેડૂતોની કૂચના બીજા દિવસે સરહદને મજબૂત કરવા માટે ટિકરી સરહદ પર કોંક્રિટ સ્લેબ વચ્ચે વધુ કોંક્રિટ રેડવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા રાત્રે પણ ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો

 

હરિયાણા-પંજાબ શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે રાત્રે ટીયર ગેસનો ઉપયોગ પણ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, તેઓ કોઈપણ સંજોગોમાં દિલ્હી જશે. તેઓ રાતથી દિલ્હીથી 200 કિમી દૂર પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ઉભા છે. આજે બુધવારે ફરી એકવાર ખેડૂતો હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન, હરિયાણા પોલીસે કહ્યું કે, તે કોઈ પણ દેખાવકારોને રાજ્યમાં પ્રવેશવા દેશે નહીં.

આ પણ જુઓ: ખેડૂતોના આંદોલન વચ્ચે રાહુલ ગાંધીનું વચન, કોંગ્રેસ આપશે MSPની ગેરંટી

Back to top button