કૃષિટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂત આંદોલન 2.0: કેમ ફરીવાર ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી?

હમ દેખેંગે ન્યૂઝ ડેસ્ક (અમદાવાદ), 12 ફેૂબ્રુઆરી: ભારતમાં ખેડૂતો દ્વારા વિરોધ ઓગસ્ટ 2020માં સંસદમાંથી ત્રણ કૃષિ બિલ પસાર થયા બાદ શરૂ થયો હતો. જેની આગ હજુ સુધી ઓલવાઈ નથી. ખેડૂતોએ દિલ્હીને ફરી એકવાર ઘેરવાનું શરૂ કર્યું છે. દેશભરના કેટલાક ભાગોમાંથી ખેડૂતો પોતાની માંગણી સાથે રેલી કાઢવાની યોજના બનાવી રહ્યા છે. ખેડૂતોનું આ આંદોલનનું નામ ‘ચલો દિલ્હી માર્ચ’ છે. જેને ખેડૂત આંદોલન 2.0 પણ કહેવાઈ રહ્યું છે. ખેડૂતોનો આ આંદોલનની પેર્ટન 2020-2021ના વિરોધ સાથે કેટલી હદે મેળ ખાય છે. આ વખતે સંયુક્ત કિસાન મોરચા (અરાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) સંબંધિત કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ પર કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા દિલ્હીમાં જંતર-મંતર પર 13 ફેબ્રુઆરીએ વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે.

ખેડૂતોએ કેમ ફરીવાર સરકારને આંદોલનની ચીમકી આપી?

આ વખતે સંયુક્ત કિસાન મોરચા (અરાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) સંબંધિત કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ પર કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા દિલ્હીમાં જંતર-મંતર પર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ આંદોલનને દેશના 200થી વધુ ખેડૂત સંગઠનોનું સમર્થન છે. MSP માટે કાનૂની ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલીકરણ, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, ખેત લોન માફી, પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ‘ન્યાય’ની પણ માંગ કરી રહ્યા છે. આ એ જ માંગણી છે જે 2020ના આંદોલનના સમયે સરકાર સામે કરાઈ હતી.

@ANI

ખેડૂતો તમામ તૈયારીથી સજ્જ થઈને આંદોલન કરશે. તેઓ પોતાની સાથે ટ્રેક્ટર-ટ્રોલી અને રાશન પણ લાવવાના છે. દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા ખેડૂતો 6 મહિના સુધીનું રાશન-પાણી લઈને આવી રહ્યા છે. 1000 જેટલા ટ્રેક્ટરો આંદોલનમાં જોડાવવાના છે. જો કે,આ આંદોલનને ગત વખતની જેમ તમામ ખેડૂત સંગઠનોનું સમર્થન નથી. આ ખેડૂતોનું આંદોલન સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ થઈ રહ્યું નથી. વિવિધ ખેડૂત સંગઠનો સાથે મળીને તેનું આયોજન કરી રહ્યા છે. ખેડૂતોની માંગણીઓને લઈને સરકાર સાથે ઘણી બેઠકો થઈ છે, પરંતુ અંતિમ સંમતિ સધાઈ રહી નથી. આખરે કંઈ માંગણીઓને લઈને ખેડૂત સંગઠનો વારંવાર ધરણાં કરી રહ્યા છે, જાણીએ…

ખેડૂતો આ માંગણીઓ પર અડગ 

1. ખેડૂતોની સૌથી મહત્વની માંગ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની છે.
2. ખેડૂતો સ્વામિનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની પણ માંગ કરી રહ્યા છે.
3. આંદોલનમાં સામેલ ખેડૂતો પણ કૃષિ લોન માફ કરવાની માંગ કરી રહ્યા છે.
4. લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ખેડૂતો ન્યાયની માંગ કરી રહ્યા છે
5. ભારતનેવર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાંથી ખસી જવું અને તમામ મુક્ત વેપાર કરારો પર પ્રતિબંધ મૂકવો.
6. કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત-જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવું.
7. 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને રૂ. 10,000નું પેન્શન આપવું.
8. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરવા માટે, સરકાર દ્વારા જ વીમા પ્રિમિયમની ચૂકવણી કરવી. તમામ પાકોને યોજનાનો ભાગ બનાવવો અને નુકસાનનું મૂલ્યાંકન કરતી વખતે ખેતરના એકરને એક એકમ તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવું.
9. જમીન સંપાદન અધિનિયમ, 2013 એ જ રીતે લાગુ થવો જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરવી જોઈએ.
10. જંતુનાશકો, બિયારણ અને ખાતર કાયદામાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવો જોઈએ.
11. વીજળી સુધારો બિલ 2020 રદ કરવું.
12. દિલ્હી આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર અને પરિવારના એક સભ્યને નોકરી.

પરિસ્થિતિ ખરાબ થઈ તો સરકાર જવાબદાર: ખેડૂત આગેવાન

સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીતસિંહ દલ્લેવાલે કહ્યું હતું કે સરકાર કેમ ડરી રહી છે? આટલી મોટી સંખ્યામાં મજબૂત બેરિકેડ્સ કેમ લગાવી દેવાયા છે? શું આ જ છે લોકશાહી? જો પરિસ્થિતિ ખરાબ થઇ તો તેના માટે સરકાર જવાબદાર રહેશે. ખેડૂતોને દિલ્હી જતા અટકાવવા માટે હરિયાણા સરકારે રાજ્યમાં 144 લાગુ કરી દીધી છે. સાથે જ ટ્રેક્ટર રેલી કે માર્ચ પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી પોલીસ પણ હાઇએલર્ટ પર છે અને દિલ્હીમાં અગાઉ આંદોલનનું કેન્દ્ર રહેલી સિંઘુ, ગાઝીપુર અને ટિકરી બોર્ડરને પણ સીલ કરી દીધી છે. જ્યારે હરિયાણાના ભારતીય કિસાન એકતાના પ્રદેશ અધ્યક્ષ લખવિંદર સિંહ ઔલખે કહ્યું કે, સરકાર ગમે તે કરી લે અમને નહીં રોકી શકે.

સરકારે પ્રદર્શનકારીઓને રોકવા કડક પગલાં લીધા

દિલ્હીમાં 12 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી કલમ 144 લાગુ કરાઈ છે. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ કડક આદેશ આપ્યાં છે. દિલ્હીથી અડીને આવેલી હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશની બોર્ડર પર સતર્કતા વધારી દેવાઈ છે. સરહદ પર કાંટાળા તાર અને સિમેન્ટના બેરિકેડ ધરબી દેવાયા છે. એટલુ જ નહીં પોલીસ વોટર કેનન અને ટીયર ગેસ શેલની પ્રેક્ટિસ પણ કરી રહી છે. બીજી તરફ, ખેડૂતો મક્કમ થઈને આગળ વધી રહ્યા છે. જો આ મુદ્દાનો ઉકેલ ત્વરિત લેવામાં નહીં આવે તો ફરીથી આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

2020માં સંસદમાંથી બિલ પસાર થતાં થયો હતો હોબાળો

સંસદે સપ્ટેમ્બર 2020માં ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ, ખેડૂતો (સશક્તિકરણ અને સંરક્ષણ) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ અને ફાર્મ સર્વિસ બિલ અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) બિલ પસાર કર્યું હતું. જેણે રાષ્ટ્રપતિએ સંમતિ આપી હતી. ત્યારબાદ ખેડૂતોએ આ ત્રણેય બિલ રદ કરવા સરકાર સમક્ષ માંગ કરી. ખેડૂતોનું કહેવું છે કે, નવો કૃષિ કાયદો કોર્પોરેટ ક્ષેત્ર પર તેમની નિર્ભરતા વધારશે અને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) નાબૂદ કરશે. સમય સાથે વધતા આ વિરોધે વૈશ્વિક સ્તરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. જો કે, બીજી તરફ, સરકારનું કહેવું હતું કે, નવા કાયદા ઉદ્યોગને ઉદાર બનાવીને ખેતીને આધુનિક બનાવશે.

ત્યારબાદ ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા. ત્યારે પણ ખૂબ જ ઉગ્ર આંદોલન થયું હતું. દિલ્હીમાં ચારેબાજુ ચક્કાજામ થયો હતો. જાન્યુઆરી 2021એ ખેડૂતો લાલ કિલ્લાની અંદર ઘૂસી આવ્યા અને ટ્રેક્ટર પરેડ સાથે રેલી કાઢી હતી. એ સમયે દિલ્હી પોલીસ અને ખેડૂત વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. આ આંદોલનની આગ દેશભરમાં ફેલાતા સરકારે નવેમ્બર 2021માં કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે, હવે 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. એવામાં પોતાની અધૂરી રહી ગયેલી માંગો સાથે ખેડૂતો ફરી આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે.

આ પણ વાંચો: ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હીની સરહદો પર કલમ 144 લાગુ

Back to top button