સ્કૂલોમાં CPR શીખવવાની અરજી કોર્ટે ફગાવી, કહ્યું : અભ્યાસક્રમ નક્કી કરવાનું કામ સરકારનું છે
- બાળકોનો અભ્યાસક્રમ શું થાય છે, તે નક્કી કરવાનું કામ સરકારનું છે : સુપ્રીમ કોર્ટ
- અરજીમાં કરવામાં આવેલી માંગ સરકારના નીતિ વિષયક મુદ્દાઓ હેઠળ આવે છે : CJI
નવી દિલ્હી, 29 નવેમ્બર : સુપ્રીમ કોર્ટે મંગળવારે શાળાના અભ્યાસક્રમમાં બાળકોના જીવનને હાર્ટ અટેકથી બચાવવામાં અસરકારક CPR ટેકનિકનો સમાવેશ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. CJI જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે, અરજીમાં કરવામાં આવેલી માંગ સરકારના નીતિ વિષયક મુદ્દાઓ હેઠળ આવરી લેવામાં આવે છે.
CJI જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે, “શાળાના બાળકો માટેનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ તે સરકારે નક્કી કરવાનું છે. એવી અસંખ્ય બાબતો હોઈ શકે છે જે બાળકોએ તેમના અભ્યાસ દરમિયાન જાણવી જોઈએ, પરંતુ કોર્ટ તે તમામને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્દેશ આપી શકતી નથી.” કોર્ટે અરજદારને કહ્યું કે “જો તમે ઈચ્છો તો આ મામલે સરકારને મેમોરેન્ડમ આપી શકો છો.”
અરજદાર દ્વારા CPRની ટેકનિક બાળકોને શીખવવાની માંગ
CPR શીખવવાની માંગ કરતી અરજી પર અરજદારે જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં હાર્ટ અટેકથી મૃત્યુના વધતા જતા કિસ્સાઓને જોતા શાળાઓમાં બાળકોને હૃદયરોગ સંબંધિત શિક્ષણ આપવામાં આવે અને ઇમરજન્સીમાં CPR દ્વારા દર્દીને કેવી રીતે મદદ કરી શકાય તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ સાંભળવાનો ઇનકાર કર્યો હતો. CJIએ કહ્યું કે, “અમે નક્કી કરી શકતા નથી કે બાળકોએ શું વાંચવું જોઈએ.”
છેલ્લા કેટલાક મહિનામાં શાળાના બાળકો પણ બન્યા હાર્ટ એટેકનો શિકાર
છેલ્લા કેટલાક મહિનામાં આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં શાળાના બાળકો પણ હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લખનૌની સિટી મોન્ટેસરી સ્કૂલમાં ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીનું અચાનક મૃત્યુ થયું હતું. તે વિદ્યાર્થીનું મૃત્યુ પણ હાર્ટ એટેકથી થયું હોવાનું માનવામાં આવે છે. એ જ રીતે ઑક્ટોબર મહિનામાં રાજસ્થાનના બિકાનેરમાં એક માસૂમ બાળકની તબિયત અચાનક બગડતાં તેનું મૃત્યુ થયું હતું. આવા બીજા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે. હાર્ટ એટેકના પ્રારંભિક તબક્કામાં જાણવા મળ્યું છે કે, CPR ટેકનિક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. CPR રક્ત પરિભ્રમણમાં મદદ કરે છે. જો આ પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો દર્દીનું જીવન જોખમની બહાર લાવી શકાય છે. હૃદય બંધ થયાની છ મિનિટમાં CPR આપવું પડે છે.
આ પણ જુઓ :27 વર્ષની કેદની સજા બાદ કોર્ટે એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો! જાણો શા માટે ?