
Sarkhej murder case: અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી આર.સી. રોડ પર બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં પ્રેમ સંબંધે જ એક યુવતીનો જીવ લઈ લીધો હોવાનો ખુલાસો થયો છે. શરૂઆતમાં પોલીસ દ્વારા આ કેસને આત્મહત્યાના દૃષ્ટિકોણથી તપાસવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો હત્યાનો હોવાનું સામે આવ્યું છે.
ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી લાશ
6 જૂનની વહેલી સવારે સીમા પઠાણ નામની યુવતી પોતાના ઘરેથી શંકાસ્પદ સ્થિતિમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના ગળા પર સ્પષ્ટ ઇજાના નિશાન જોવા મળ્યા હતા અને લોહી જામી ગયું હતું. ઘટનાની જાણ થતા પરિવારજનોએ તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી. પ્રારંભિક તપાસમાં પોલીસે આ મામલો અકસ્માતે મોત અથવા આત્મહત્યા તરીકે નોંધ્યો હતો. જોકે, પરિવારજનોએ શરૂઆતથી જ યુવતીની હત્યાની શંકા વ્યક્ત કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પ્રેમ સંબંધમાં શંકાએ ગંભીર રૂપ લીધું
પ્રાપ્ત વિગતો મુજબ, સીમા પઠાણના પાંચ મહિના અગાઉ છૂટાછેડા થયા હતા અને તે પોતાના બે બાળકો સાથે માતાના ઘરે રહેતી હતી. આ દરમિયાન તેની ઓળખ યાસીન કુરેશી સાથે થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. બંનેના લગ્ન થવાની પણ વાત હતી. પરંતુ સંબંધ દરમિયાન યાસીન તરફથી નાની-નાની બાબતોમાં શંકા રાખવામાં આવતી હતી, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું જાણવા મળ્યું છે. આ શંકાએ જ અંતે ગંભીર રૂપ લઈ લીધું હોવાનો આરોપ છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખુલ્યું હત્યાનું સત્ય
પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો અને તપાસ ચાલુ રાખી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતા કેસની દિશા બદલાઈ ગઈ.
આરોપીની ધરપકડ, સ્વીકાર્યો ગુનો
પોલીસ તપાસ દરમિયાન યાસીન કુરેશી પર શંકા વધુ મજબૂત બની હતી. પૂછપરછ દરમિયાન તેણે સીમા પર શંકાના કારણે ગુસ્સામાં આવીને તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. હાલ સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સંબંધોમાં વધતી શંકા અને અવિશ્વાસ કેટલી ઘાતક સાબિત થઈ શકે છે તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: ગોતા વોર્ડમાં પાણીથી રોગચાળો, 3 જૂનના સેમ્પલમાં થયો ચોંકાવનારો ખુલાસો












