‘જે ટ્રોલ કરતા હતા, તે વખાણ કરી…’ દીકરાની સફળતા પર સંજૂ સેમસનના પિતાએ ખુશી વ્યક્ત કરી
નવી દિલ્હીઃ 9 માર્ચ, 2026: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને તાજેતરના T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને સૌના દિલ જીતી લીધા છે. સંજુના પિતા સેમસન વિશ્વનાથે એક ઇન્ટરવ્યુમાં પુત્રના સંઘર્ષ અને સફળતાની સફર વિશે ભાવુક વાતો શેર કરી છે.
પુત્રના સપના માટે પિતાનું મોટું બલિદાન
સેમસન વિશ્વનાથે જણાવ્યું કે સંજુના ક્રિકેટ કરિયરને યોગ્ય દિશા આપવા માટે તેમણે દિલ્હી પોલીસની નોકરી છોડી દીધી હતી. દિલ્હીમાં ટ્રાયલ્સ દરમિયાન સફળતા ન મળતા, તેઓ કેરળ પરત ફર્યા જેથી સંજુને વધુ સારી તકો મળી શકે. પિતાના મતે, આ નિર્ણય સંજુના આત્મવિશ્વાસને ડગમગતો રોકવા માટે જરૂરી હતો.
સચિન અને દ્રવિડના વીડિયો જોઈને શીખ્યો ક્રિકેટ
સંજુ જ્યારે માત્ર સાડા ત્રણ વર્ષનો હતો ત્યારે જ પિતાએ તેનું ટેલેન્ટ ઓળખી લીધું હતું. નાનપણમાં સંજુ અને તેનો ભાઈ મહાન બેટ્સમેનો જેવા કે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના વીડિયો જોતા અને તેમની ટેકનિક સમજતા હતા. પિતાને સંજુની ‘સ્ટ્રેટ ડ્રાઈવ’ સૌથી વધુ ગમે છે, જે તેમને સચિન તેંડુલકરની યાદ અપાવે છે. સંજુ માત્ર રમત જ નહીં પણ ભણવામાં પણ હોંશિયાર હતો અને પરીક્ષામાં 90 ટકાથી વધુ માર્કસ લાવતો હતો.
નિરાશાના દિવસો અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ
એક સમય એવો હતો જ્યારે સંજુને ટીમમાં પૂરતી તકો નહોતી મળી રહી. વિશ્વનાથે સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા પર થતી આલોચનાથી પરિવારને દુઃખ થતું હતું. જોકે, હવે જે લોકો પહેલા ટીકા કરતા હતા, તેઓ જ સંજુના વખાણ કરી રહ્યા છે તેનો તેમને સંતોષ છે.
રાજસ્થાન રોયલ્સ અને ઝુબિન ભરૂચાનો ફાળો
સંજુના કરિયરમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ અને મેન્ટર ઝુબિન ભરૂચાના યોગદાનની પિતાએ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કિશોર વસ્થાથી જ ભરૂચાએ સંજુને માર્ગદર્શન આપીને એક પરિપક્વ ખેલાડી બનાવવામાં મદદ કરી છે.
ત્યાગ નહીં, જવાબદારી
ઇન્ટરવ્યુના અંતે સેમસન વિશ્વનાથે નમ્રતાપૂર્વક કહ્યું કે, તેમણે દીકરા માટે કોઈ ‘ત્યાગ’ નથી કર્યો, પરંતુ એક પિતા તરીકે પોતાની જવાબદારી નિભાવી છે અને તેના સપનાઓને ટેકો આપ્યો છે.












