ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સેમ પિત્રોડાને જેટલાં જૂતાં મારો એટલા ઓછા છેઃ દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહનું આક્રમક વલણ

Text To Speech

ભોપાલ, 10 મેઃ ભારતીય નાગરિકોને પ્રદેશ તથા રંગના આધારે વહેંચીને તેમની સરખામણી વિદેશીઓ સાથે કરવાના સેમ પિત્રોડાના નિવેદન સામે કોંગ્રેસમાં જ ભારે નારાજગી છે. આવા ભાગલાવાદી નિવેદન બદલ ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષપદેથી કોંગ્રેસ મોવડીમંડળે પિત્રોડાને રાજીનામું આપવા ફરજ પાડી હતી. હવે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણસિંહે એક ડગલું આગળ વધીને પિત્રોડા પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો છે.

સેમ પિત્રોડાએ ભારતીય નાગરિકો વિરોધી નિવેદન કર્યું એ જ દિવસે અર્થાત આઠમી મેએ લક્ષ્મણસિંહે ટ્વિટ કરીને લખ્યું હતું કે, સેમ પિત્રોડાનું નિવેદન અત્યંત શરમજનક છે. તેમને જેટલાં જૂતાં મારો એટલું ઓછું છે. આ ટ્વિટ સાથે લક્ષ્મણસિંહે કોંગ્રેસના બે ટ્વિટર હેન્ડલ @INCIndia તથા @INCMP ને પણ ટૅગ કર્યા છે.

બે અઠવાડિયા પહેલાં ભારતીય નાગરિકો ઉપર વારસાગત વેરો લાદવાનું સૂચન કરીને ભારે વિવાદ જગાવનાર અમેરિકાસ્થિત સેમ પિત્રોડાએ બે દિવસ પહેલાં ભારતીય નાગરિકોને તેમના પ્રદેશ અને ત્વચાના રંગના આધારે વિભાજીત કરીને ભારતીયોની સરખામણી વિદેશીઓ સાથે કરી હતી. પિત્રોડાના આ નિવેદનને કોંગ્રેસ પક્ષે તરત જ નકારી કાઢ્યું હતું એટલું જ નહીં પરંતુ પક્ષના મહાસચિવ જયરામ રમેશે જાહેરાત કરી દીધી હતી કે પિત્રોડાએ આ નિવેદન બાદ ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસ પ્રમુખે તેનો સ્વીકાર કર્યો છે.

લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે સમયે પિત્રોડાના આવાં નિવેદનો સામે ભાજપ તથા અન્ય રાજકીય પક્ષોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને તેને કોંગ્રેસની ભાગલાવાદી નીતિનો ભાગ ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ કેદારનાથ ધામના દર્શન ખૂલ્યા, વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

Back to top button