ગુજરાતટોપ ન્યૂઝ

કોંગ્રેસમાં તમામ પદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક કયા પક્ષમાં જોડાશે? અનેક અટકળો શરૂ

Text To Speech

લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે અંતે રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.

રાજીનામાની જાણકારી હાર્દિક પટેલે ટ્વિટ કરીને આપી
હાર્દિક પટેલે ટ્વીટ કરીને રાજીનામાની આ જાણકારી આપી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે, આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે, મારા આ પગલાથી ભવિષ્યમાં ગુજરાત સત્ય માટે સકારાત્મક રીતે કામ કરી શકીશ.

નોંધનીય છે કે, અગાઉ હાર્દિક પટેલે તે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીથી નારાજ હોવાની વાત કરી દીધી હતી. તેમજ કેન્દ્રીય નેતાગીરીને નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવાતાં અંતે આજે રાજીનામું ધરી દીધું છે.

હાર્દિક પટેલ હવે કયા પક્ષમાં જોડાશે?
હાર્દિક પટેલનું કોંગ્રેસમાં રાજીનામા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પટેલ આગળ ક્યા પક્ષમાં જોડાશે. હાર્દિકની કોંગ્રેસ છોડવાની વાત વચ્ચે એવી અટકળો પણ ચાલી રહી હતી કે તે ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ તેના એક સમયના સાથી વરુણ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે એ જોતાં કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે, બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે, માયકાંગલો નથી !

જ્યારે આ મામલે કોંગ્રેસના જ નેતા હાર્દિક ભાજપમાં જોડાશે એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ વાતચીતમાં કહ્યું કે, હાર્દિક ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. ઉપરાંત કોંગ્રેસ નેતા ગીતા પટેલે પણ હાર્દિકના ભાજપમાં જોડાવવાની વાત કહી છે.

કોંગ્રેસથી નારાજ હોવાની વાત જાહેર કરી હતી
ખોડલધામમાં રવિવારે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેની જવાબદારી નક્કી હોય છે.

હાર્દિક પટેલે પક્ષ પ્રત્યેની પોતાની નારાજગી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખીને કરી હતી

કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિકની ગેરહાજરી
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું છે. હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનથી પણ તેનું કૉંગ્રેસ સાથે અંતર સ્પષ્ટ જણાતું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

Back to top button