અમદાવાદકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝ

ઉનાળામાં પાણી ખૂટશે? ગુજરાતમાં માત્ર એક જ ડેમમાં 90%થી વધુ જળસ્તર

અમદાવાદ, 18 માર્ચ 2024, આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાના બીજા સપ્તાહથી જ ગુજરાતીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ ઉનાળાની શરૂઆતમા જ રાજ્યના જળાશયોમાં પાણીનું સ્તર ઘટવા માંડ્યું છે. 207 જળાશયોમાંથી માત્ર એક જ જળાશયમાં 90 ટકાથી વધુ પાણી છે. જ્યારે 191 જળાશયો એવા છે જેમાં 70 ટકાથી ઓછું પાણી છે. સિંચાઈ અને પીવાના પાણી માટે લોકોએ નર્મદાના પાણી પર નિર્ભર રહેવું પડે તેવી વિકટ સ્થિતિ સર્જાઈ શકે છે.

નર્મદા ડેમમાં હાલ 62.04 ટકા જ પાણી બચ્યું
આ વખતના ઉનાળામાં પાણીની ભયંકર કટોકટી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં આ વખતે વરસાદ સારો થયો છે. બીજી બાજુ બિપરજોય વાવાઝોડાને કારણે થયેલા વરસાદમાં પણ જળાશયોમાં પાણીનું સ્તર ઉંચું આવ્યું હતું. પરંતુ હવે ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થતાં જળાશયોમાં પાણીનો જથ્થો ખૂટવા માંડ્યો છે. રાજ્યમાં આ વખતે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણીની તિવ્ર તંગી વર્તાય તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 40.98 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 32.96 ટકા અને કચ્છના 20 ડેમમાં માત્ર 36.34 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 60 ટકાથી વધુ પાણી છે. સરદાર સરોવરની વાત કરીએ તો રાજ્યમાં મોટાભાગનું પાણી નર્મદામાંથી ઉપયોગમાં લેવાય છે. ત્યારે આ ડેમમાં હાલ 62.04 ટકા જ પાણી બચ્યું છે.

191 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી
ગુજરાતમાં 207 જળાશયોમાંથી માત્ર એક જળાશયમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે સાત જળાશયોમાં 80થી 90 જેટલું પાણી છે. તે ઉપરાંતના સાત જળાશયોમાં 70થી 80 ટકા વચ્ચે પાણીનો જથ્થો છે. જ્યારે 191 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે. ગરમી વધતાં જળાશયોમાં રહેલું પાણી સુકાવાની શક્યતાઓ છે. ઉનાળામાં ગુજરાતની જનતાને નર્મદાના પાણીનો ઉપયોગ કરવો પડશે. સિંચાઈ અને પીવાના પાણી માટે વલખાં ના મારવા પડે તે માટે પાણીનો બચાવ કરવો પડશે. ખેડૂતોને સિંચાઈ માટે મહત્તમ પાણી મળી રહે તે માટે સરકારે સ્થાનિક જળાશયોમાં પાણીની વ્યવસ્થા કરવાની શરૂઆત કરી છે.

મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થાય એવી શક્યતા છે. આગામી ત્રણ દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું તાપમાન યથાવત્ રહેશે. ત્યાર બાદ બે ડિગ્રી જેટલું તાપમાન વધે એવી શક્યતા છે.વિસ્તારોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન એકથી બે ડિગ્રી તાપમાન વધતાં ગરમીનો અહેસાસ વધુ થાય એવી શક્યતા છે.અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે આગામી પાંચ દિવસમાં બે ડિગ્રી તાપમાન વધતાં અમદાવાદીઓને ગરમીનો માર સહન કરવો પડશે.માર્ચ મહિનાનાં છેલ્લા સપ્તાહમાં પણ તાપમાનમાં સતત વધારો થતાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચે એવી શક્યતા છે.

રાજ્યના 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર નોંધાયું
રાજ્યના 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 36.1 ડિગ્રી પાર નોંધાયું છે. તથા રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવવાની આગાહી છે. તેમજ રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જોઇએ તો અમદાવાદ 36.1 ડિગ્રી, ગાંધીનગર 36.0 ડિગ્રી, ડીસા 36.5 ડિગ્રી, વડોદરા 36.4 ડિગ્રી, અમરેલી 37.6 ડિગ્રી, ભાવનગર 33.6 ડિગ્રી, રાજકોટ 37.9 ડિગ્રી, સુરેન્દ્રનગર 37.3 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી, ભુજ 37.4 ડિગ્રી, નલિયા 38.0 ડિગ્રી, કંડલા 36.7 ડિગ્રી તેમજ કેશોદ 37.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.

આ પણ વાંચોઃગુજરાતમાં કાળઝાળ ગરમી શરુ, જાણો કયા શહેરમાં તાપમાન સૌથી વધુ રહ્યું

Back to top button