રિકી પોન્ટિંગે કહ્યું વિરાટનો કોઈ વિકલ્પ નથી શોધવો હોય તો શોધી લો!
22 મે, નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સના કોચ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમના જે ચાહકો એમ કહે છે કે વિરાટ કોહલીનું રિપ્લેસમેન્ટ શોધવું જોઈએ તેમને હું એટલું કહેવા માંગીશ કે આવનારા T20 World Cup માટે જો હું કેપ્ટન હોત તો મારી પહેલી પસંદગી વિરાટ જ હોત.
રિકી પોન્ટિંગે કહ્યું હતું કે, ‘તે (કોહલી) ઇન્ડિયન ટીમ માટે મારી પ્રથમ પસંગી હોત. તેનો ક્લાસ અને તેનો અનુભવ જ એવો છે કે તેનો કોઈજ વિકલ્પ નથી. મને એ જાણીને હસવું આવે છે કે ભારતમાં અમુક લોકો એવા છે જે એવા કારણો શોધે છે જેને કારણે વિરાટ કોહલીને ટીમમાં પસંદ ન કરવો જોઈએ. તેમનું એવું કહેવું છે કે અમુક ક્રિકેટરો જેવો વિરાટ નથી જે T20 રમવા માટે યોગ્ય હોય.’
આવનારા વર્લ્ડ કપ માટે પોન્ટિંગ માને છે કે ભારતીય સિલેક્ટરોએ જલ્દીથી નક્કી કરી લેવું જોઈએ કે આવનારી ICC સ્પર્ધામાં ટીમ વતી ઓપનીંગ કોણ કરશે. કારણકે યશસ્વી જયસ્વાલ પણ ટીમમાં છે અને ટીમમાં લેફ્ટ હેન્ડ બેટ્સમેન ઓછા છે. જો એવો નિર્ણય લેવામાં આવે કે જયસ્વાલ ઈલેવનમાં નહીં રમે તો રોહિત અને કોહલીએ જ ઓપનીંગ કરવું જોઈએ.
પોન્ટિંગનું માનવું છે કે વિરાટ કોહલી ઓપનીંગમાં સારી ભૂમિકા ભજવી શકે છે અને જો તેની આસપાસ રોહિત અને સૂર્ય કુમાર યાદવ જેવા ઝડપથી સ્કોર કરનારા બેટ્સમેનો હોય તો તેઓ ટીમને બહુ સારી શરૂઆત આપી શકે છે.
વિરાટ કોહલીની સ્ટ્રાઈક રેટ વિશે ચાલી રહેલી ચર્ચા પર પોતાનું મંતવ્ય આપતા પોન્ટિંગ કહે છે કે ટીમમાં કોહલીનું મૂલ્ય એટલું બધું છે કે તેની સ્ટ્રાઈક રેટ ખાસ મહત્વ ધરાવતી નથી. મૂળ વાત એવી છે કે ત્રણ કે ચાર વર્ષ પહેલા ટીમો એ બાબત પહેલાં નિશ્ચિત કરતી હતી કે ઓપનીંગ બેટ્સમેન ઓછામાં ઓછા 80 થી 100 રન જરૂર કરે, ભલે પછી તે 60 બોલમાં આ રન કરે, તેમને કોઈજ ફરક નહોતો પડતો.
હવે એવો સમય આવ્યો છે જ્યારે સ્ટ્રાઈક રેટનું મહત્વ વધી ગયું છે અને જો 15 બોલમાં 40 રન કરવામાં આવે તો તે વધુ મહત્વનું બની જાય છે.