ટ્રેન્ડિંગનેશનલ

પ્રજાસત્તાક દિવસ 2026: કર્તવ્ય પથ પર પહેલીવાર કૂચ કરશે ભારતીય સેનાના ‘મૌન યોદ્ધા’, જાણો કોણ છે આ ખાસ ટુકડી

નવી દિલ્હીઃ 7 જાન્યુઆરી, 2026: ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પરેડ આ દિવસનું મુખ્ય આકર્ષણ હોય છે, જેની શરૂઆત 1950માં થઈ હતી. આ પરેડ દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાનો સંગમ છે. આગામી પ્રજાસત્તાક દિવસ 2026ની પરેડ વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે જીકે (GK)ની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ બની રહેશે, કારણ કે આ વખતે સેનાના ‘મૌન યોદ્ધા’ (Silent Warriors) પ્રથમ વખત પરેડમાં ભાગ લેશે.

પ્રથમવાર પરેડમાં જોડાશે સેનાની પશુ ટુકડી

ન્યૂઝ ઓન એર (newsonair.gov.in) ના અહેવાલ મુજબ, પ્રજાસત્તાક દિવસના અવસરે પ્રથમ વખત કર્તવ્ય પથ પર ભારતીય સેનાની પશુ ટુકડી કૂચ કરતી જોવા મળશે. આ ટુકડી રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર્પ્સ (RVC) ની છે. અત્યંત પડકારજનક વિસ્તારોમાં સૈન્ય કામગીરી દરમિયાન પશુઓની મહત્વની ભૂમિકાને આ પરેડ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. દેશના દુર્ગમ વિસ્તારોમાં અવિરત સેવા આપતા આ ‘મૌન યોદ્ધાઓ’ને સન્માન આપવા માટે આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.

કોણ છે ભારતીય સેનાના આ ‘મૌન યોદ્ધા’?

સેનાની આ વિશેષ પશુ ટુકડીમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:

  • 2 બેક્ટ્રિયન ઊંટ(બે ખૂંધવાળા ઊંટ)
  • 4 ઝાન્સકરી ખચ્ચર
  • 4 શિકારી પક્ષીઓ(બાજ વગેરે)
  • 10 ભારતીય નસ્લના શ્વાન
  • 6 પરંપરાગત લશ્કરી શ્વાન

આ ટુકડી ભારતીય સેનામાં પશુઓની વિવિધતા અને તેમની અનિવાર્ય ભૂમિકાને દર્શાવશે. આ પશુઓ અવાજ કર્યા વિના સૈનિકો સાથે ખભેખભા મિલાવીને કામ કરે છે, તેથી તેમને ‘મૌન યોદ્ધા’ કહેવામાં આવે છે.

બેક્ટ્રિયન ઊંટ કરશે ટુકડીનું નેતૃત્વ

આ ટુકડીનું નેતૃત્વ બેક્ટ્રિયન ઊંટ કરશે. આ ઊંટોને તાજેતરમાં જ લદ્દાખના ઠંડા રણ પ્રદેશમાં સૈન્ય કામગીરી માટે સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમની ખાસિયત એ છે કે તેઓ માઈનસ ડિગ્રી તાપમાનમાં અને 15,000 ફૂટથી વધુ ઊંચાઈ પર પણ કાર્યક્ષમ રીતે કામ કરી શકે છે. આ ઊંટ સેનાને દુર્ગમ અને અત્યંત ઠંડા વિસ્તારોમાં લોજિસ્ટિક્સ અને સર્વેલન્સમાં મોટી મદદ પૂરી પાડે છે.

ભારતીય સેનાના ‘મૌન યોદ્ધા’નું કાર્ય શું છે?

ભારતીય સેનાના વિવિધ મિશનમાં ખાસ તાલીમ પામેલા શ્વાન (Dogs) મહત્વની ભૂમિકા ભજવે છે. તેમને મેરઠમાં આવેલા રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર્પ્સ (RVC) સેન્ટર અને કોલેજમાં કઠિન તાલીમ આપવામાં આવે છે.

  • આતંકવાદ વિરોધી કામગીરી:તેઓ વિસ્ફોટકો અને લેન્ડમાઈન શોધી કાઢવામાં મદદ કરે છે.
  • સુરક્ષા અને બચાવ:તેઓ સરહદની સુરક્ષાની સાથે આપત્તિ રાહત, શોધ અને બચાવ અભિયાનમાં પણ ભાગ લે છે.
  • કોઈપણ પરિસ્થિતિમાં સૈનિકો સાથે મક્કમતાથી ઊભા રહેતા હોવાથી તેમને ગૌરવપૂર્વક ‘સાયલન્ટ વોરિયર્સ’ તરીકે ઓળખવામાં આવે છે.

 

Back to top button