ટ્રેન્ડિંગમનોરંજન

અન્નુ કપૂરની ‘હમારે બારહ’ને રાહત, બોમ્બે HCએ આ શરતે આપી રીલીઝની પરવાનગી

Text To Speech
  • અન્નુ કપૂર સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’ને લઈને કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. ફિલ્મ પર બોમ્બે હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો અને રીલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી

અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ રીલીઝ પહેલા જ અનેક વિવાદોમાં ફસાઈ હતી. વિવાદોના કારણે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જેના કારણે કોર્ટે તેની રીલીઝ પર પ્રતિબંધ મુકી દીધો હતો. હવે મેકર્સ અને કલાકારો માટે સારા સમાચાર છે, કારણ કે બોમ્બે હાઈકોર્ટે ફિલ્મને રીલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે.

આ શરતે રીલીઝની પરવાનગી અપાઈ

અન્નુ કપૂર સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’ને લઈને કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ આ ફિલ્મ 7 જૂને રીલીઝ થવાની હતી, જેના પર બોમ્બે હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો અને રીલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ હવે શુક્રવારે ચુકાદો આપતાં હાઇકોર્ટે કેટલાક ફેરફારો સાથે ફિલ્મને રીલીઝ કરવાની મંજૂરી આપી છે. આ અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી જેમાં અરજદારે ફિલ્મમાંથી બે ડાયલોગ હટાવવાની માંગ કરી હતી. નિર્માતાઓએ આ માંગ સ્વીકારી લીધી છે. ત્યારબાદ કોર્ટે સેન્સર બોર્ડને ફિલ્મને રીલીઝ કરવાની મંજૂરી આપી અને તેને નવું સર્ટિફિકેટ આપવાનો આદેશ આપ્યો હતો. હવે આ ફિલ્મ નક્કી કરેલી તારીખે જ રીલીઝ થશે.

આ ફિલ્મને લઈને શું છે વિવાદ?

ફિલ્મ ‘હમારે બારહ’માં અન્નુ કપૂર, મનોજ જોશી અને પરિતોષ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા વસ્તી વધારાના ગંભીર મુદ્દા અને તેની અસરો પર આધારિત છે. ઘણા લોકો આરોપ લગાવે છે કે ફિલ્મના ટ્રેલરમાં અસભ્ય અને સાંપ્રદાયિક પ્રચારની ઝલક છે. તો ઘણા લોકો કહે છે કે તેમાં એવી વસ્તુઓ છે જે લોકોની માનસિકતામાં ઝેર ઘોળી રહી છે.

આ પણ વાંચોઃ ચૂંટણીમાં જબરજસ્ત પ્રદર્શન બાદ પવન કલ્યાણે કર્યા PMના વખાણ, મોદીએ કહ્યું, આ પવન નથી, તોફાન છે!

Back to top button