

અમદાવાદ,
દિવસેને દિવસે શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે. મોંઘવારીની સરખામણીએ આવકમાં વધારો ન થતા વાલીઓ હવે પોતાના બાળકોને ખાનગીને બદલે સરકારી શાળામાં ભણાવવાનું પસંદ કરી રહ્યા છે. તેવામાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો પર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ધો.1માં પ્રવેશ માટે પડાપડી સર્જાઈ છે. આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે રેકોર્ડબ્રેક ૧.૭૬ લાખથી વધુ ફોર્મ માન્ય થયા છે.જ્યારે બીજી બાજુ આ વર્ષે બેઠકો ઘટી છે. ૭૧ હજાર જેટલી બેઠકો સામે બમણાથી પણ વધુ પ્રવેશ ઈચ્છુક બાળકો છે.
પ્રથમ રાઉન્ડમાં 1.92 લાખ જેટલા ફોર્મ ભરાયા
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા બેઠકો પર ગરીબ અને જરૃરિયાતમંદ બાળકોને ધો.૧માં પ્રવેશ માટે સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં ગત ૧૧મીએ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. આ વર્ષે રેકોર્ડબ્રેક ૧.૯૨ લાખ જેટલા ફોર્મ ભરાયા હતા.જેમાંથી ૧.૬૦ લાખથી વધુ ફોર્મ માન્ય કરાયા હતા.અધુરા ડોક્યુમેન્ટને લીધે હજારો ફોર્મ અમાન્ય થતા વાલીઓ દ્વારા ફોર્મ જમા કરવાની મુદ્ત વધારવાની માંગ કરાતા સરકારે ત્રણ દિવસની મુદત વધારી હતી.જેેમાં વધુ ૧૨ હજાર જેટલા ફોર્મ માન્ય થયા છે.જે સાથે હવે ૧,૭૬,૪૦૦ જેટલા ફોર્મ માન્ય થયા છે.
ગત વર્ષ કરતા આ વર્ષે બેઠકો ઘટી
ગુજરાતમાં ૨૦૧૨ના વર્ષથી શરૃ થયેલી આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં છેલ્લા દસ વર્ષમાં આ વર્ષે રેકોર્ડબ્રેક સૌથી વધુ ફોર્મ માન્ય થયા છે.જ્યારે બીજી બાજુ ગત વર્ષ કરતા બેઠકો ઘણી ઘટતા આ વર્ષે ૭૧,૧૫૪ બેઠકો છે.આમ બેઠકો કરતા બમણાથી પણ વધુ પ્રવેશ ઈચ્છુક બાળકો છે.બેઠકો ઓછી હોવાથી હજારો બાળકોને આરટીઈમાં પ્રવેશ મળે તેમ નથી.આ વર્ષે સ્કૂલોની સંખ્યા પણ ઘટતા ૯૯૫૭ ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા બેઠકો પર પ્રવેશ અપાશે.ફોર્મ માન્ય કરવાની પ્રક્રિયા બાદ હવે ૨૬મીએ ઓનલાઈન બેઠક ફાળવણી જાહેર કરાશે.