ટ્રેન્ડિંગનેશનલ

25 અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી બાદ SCની ફરી રોક

  • કોર્ટે ડૉક્ટરને ગર્ભપાતની પ્રક્રિયા રોકવાનો નિર્દેશ આપ્યો
  • અગાઉ કોર્ટે મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી
  • ભ્રૂણનો સ્વસ્થ જન્મ થવાની શક્યતાને આધારે લગાવી રોક

એક મહિલાને તેની 25-અઠવાડિયાની સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપ્યાના એક દિવસ પછી સુપ્રીમ કોર્ટે ફરી રોક લગાવી દીધી છે. મંગળવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) સત્તાવાળાઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે, ભ્રૂણનો સ્વસ્થ જન્મ થવાની સંભાવના છે. ત્યારબાદ કોર્ટે ડૉક્ટરને ગર્ભપાતની પ્રક્રિયા રોકવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે નોંધ્યું હતું કે, એઈમ્સના ડૉક્ટરો ખૂબ જ ગંભીર મૂંઝવણમાં છે. કારણ કે ગર્ભમાં ભ્રૂણ સધ્ધર સ્થિતિમાં છે.

મહિલાએ ગર્ભપાત કરાવવા ફરિયાદ કરી હતી

અગાઉ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ બી.વી.નાગરત્નની બેન્ચે 9 ઑક્ટોબરે યોજાયેલી સુનાવણી હાથ ધરી હતી. જેમાં મહિલએ ફરિયાદ કરી હતી કે તે લેક્ટેશનલ એમેનોરિયા અને ડિપ્રેશનથી પીડિત છે જેના લીધે તે ગર્ભાપાત કરવા માંગે છે. આ સુનાવણી દરમિયાન પરિણીત મહિલાની બિનઆયોજિત ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે અરજદારને 10 ઑક્ટોબરે એઈમ્સમાં જવા કહ્યું હતું. બેન્ચે કહ્યું હતું કે, AIIMSએ અરજદારને પ્રવેશ આપવો જોઈએ અને મહિલા ડૉક્ટરોની સલાહ લીધા બાદ શક્ય તેટલી વહેલી તકે ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે જો ગર્ભમાં ભ્રૂણ જીવતો જોવા મળે છે તો તેને ડોક્ટરોની સલાહ પર ઇન્ક્યુબેશનમાં રાખી શકાય છે.

કોર્ટના આદેશથી ડૉક્ટર મૂંઝવણમાં

જોકે, કોર્ટના આ નિર્દેશથી એઈમ્સના ડૉક્ટરો મુશ્કેલીમાં મૂકાયા હતા. તેઓએ સુપ્રીમ કોર્ટના આદેશની સ્પષ્ટતા માટે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીનો સંપર્ક કર્યો હતો. ASGને જણાવવામાં આવ્યું હતું કે, બાળક હાલમાં સધ્ધર છે અને જીવિત રહેવાની પ્રબળ સંભાવના છે. જોકે, એક દિવસ પહેલાં બેન્ચે એમ જણાવ્યું હતું કે, જો કોઈ બાળક અનિચ્છનીય ગર્ભાવસ્થામાંથી આ દુનિયામાં આવે છે, તો તેના ઉછેરની મોટી જવાબદારી અરજદાર પર આવશે. આ સમયે તે આ જવાબદારી લેવા તૈયાર નથી. તેથી ગર્ભપાત કરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ નિર્ણયના એક દિવસ પછી તેના પર રોક લાગુ કરી દેવામાં આવી.

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ વર્ષમાં મહિલાઓના ગર્ભપાતનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button