ટોપ ન્યૂઝનેશનલ

રતલામ નજીક ગુજરાતી યાત્રાળુઓની બસ પર લૂંટનો પ્રયાસ, ડ્રાઈવરની બહાદુરીથી 50થી વધુ મુસાફરો બચ્યા

ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને ગુજરાત પરત ફરી રહેલા વડોદરાના યાત્રાળુઓ માટે મધ્યપ્રદેશના રતલામ નજીકની રાત ડરામણી સાબિત થઈ હતી. એક્સપ્રેસ-વે પર અંધારાનો લાભ લઈ 20થી 25 શખ્સોએ બસને ઘેરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બસના ડ્રાઈવરે અસાધારણ હિંમત અને સૂઝબૂઝ દાખવી બસ રોકવાને બદલે ઝડપથી આગળ દોડાવી દીધી હતી, જેના કારણે તમામ મુસાફરો સંભવિત લૂંટ અને મોટી અનિચ્છનીય ઘટનામાંથી બચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાથી નીકળેલી ખાનગી ટ્રાવેલ્સની બસ આસામ, કોલકાતા, અયોધ્યા, જગન્નાથપુરી, ઉજ્જૈન અને વારાણસી સહિતના વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા પૂર્ણ કરીને ગુજરાત તરફ પરત ફરી રહી હતી. મોડી રાત્રે રતલામ નજીક એક્સપ્રેસ-વે પરથી પસાર થતી વખતે અચાનક કેટલાક શખ્સોએ રસ્તા પર અવરોધ ઉભો કરી બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

બસ પર થયો પથ્થરમારો

ડ્રાઈવરે બસની ગતિ ધીમી કરતાં જ શંકાસ્પદ લોકો બસની આસપાસ એકત્ર થઈ ગયા હતા. બસ રોકાય નહીં તે જોઈ તેમણે બસ પર તાબડતોબ પથ્થરમારો શરૂ કર્યો હતો. ભારે પથ્થરમારાના કારણે બસના કાચ તૂટી ગયા હતા અને તૂટેલા કાચના ટુકડાઓ ડ્રાઈવર તેમજ હેલ્પરને વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ ઈજા છતાં ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો નહોતો. તેણે મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને બસને વધુ ઝડપે આગળ દોડાવી અને હુમલાખોરોના વિસ્તારની બહાર કાઢી લીધી હતી.

‘બસ ઉભી રાખી હોત તો લૂંટ નિશ્ચિત હતી’

ઘટના અંગે ડ્રાઈવરે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે અચાનક કેટલાક લોકો રસ્તા પર આવી ગયા હતા અને બસ રોકાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો. કપાળમાં કાચના ટુકડા વાગ્યા હોવા છતાં બસ અટકાવી નહોતી, કારણ કે બસ ઉભી રાખવામાં આવી હોત તો મુસાફરોની સલામતી જોખમાઈ શકતી હતી અને આખી બસ લૂંટાઈ જવાની સંભાવના હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મુસાફરોમાં ફેલાયો ભયનો માહોલ

બસમાં સવાર યાત્રાળુઓએ જણાવ્યું હતું કે ઘટના એટલી અચાનક બની કે એક ક્ષણ માટે સૌ કોઈ ગભરાઈ ગયા હતા. કેટલાક મુસાફરો પ્રાર્થના કરવા લાગ્યા હતા તો કેટલાક લોકો પરિવારજનોને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પથ્થરમારાના અવાજ અને તૂટતા કાચ વચ્ચે બસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક યાત્રાળુએ જણાવ્યું કે રાત્રે લગભગ પોણા એક વાગ્યે બસની આગળ મોટી સંખ્યામાં લોકો આવી જતા સૌના ધબકારા વધી ગયા હતા. જો ડ્રાઈવરે હિંમત ન દાખવી હોત તો શું સ્થિતિ સર્જાત તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

ઘટના બાદ યાત્રાળુઓએ મધ્યપ્રદેશ પોલીસ અને સ્થાનિક પ્રશાસન પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે હુમલા બાદ કોઈ તાત્કાલિક મદદ કે સુરક્ષા મળી નહોતી. મુસાફરોનું કહેવું છે કે તેમણે પોતાની સમજ અને ડ્રાઈવરની બહાદુરીના આધારે જ પોતાને સુરક્ષિત રાખ્યા હતા.

ગુજરાતમાં ચિંતા અને ચર્ચા

આ ઘટનાના સમાચાર સામે આવ્યા બાદ ગુજરાતમાં ધાર્મિક પ્રવાસે જતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે લાંબા અંતરની બસ યાત્રા કરનારા મુસાફરોમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે. બીજી તરફ બસના ડ્રાઈવરની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે, કારણ કે તેની સમયસૂચકતા અને હિંમતના કારણે અનેક મુસાફરો સંભવિત મોટી દુર્ઘટના અને લૂંટની ઘટનામાંથી સુરક્ષિત બચી ગયા હતા.

આ પણ વાંચો: વ્યાજખોરોના ત્રાસથી 30 વર્ષીય યુવાને આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં ત્રણ વ્યાજખોરોના નામ

 

Back to top button