રણબીરની ‘રામાયણ’ સૌથી મોંઘી ભારતીય ફિલ્મ, બ્રહ્માસ્ત્ર કરતા પણ વધુ બજેટ!
- નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત રામાયણ-પાર્ટ વન ભારતીય સિનેમાની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું બજેટ 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 835 કરોડ રુપિયા હશે
14 મે, મંગળવારઃ ડાયરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ‘ ભારતીય સિનેમાંની સૌથી ચર્ચિત ફિલ્મ છે. અનેક વર્ષની રાહ બાદ આખરે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. હજુ સુધી મેકર્સે ‘રામાયણ’ની ઓફિશિયલ જાહેરાત કરી નથી, પરંતુ રણબીર કપૂર અને સઈ પલ્લવીના લીડ રોલમાં અનેક વખત રિપોર્ટ્સ આવી ચૂક્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે, જેમાં આ બંને ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળ્યા છે. જોકે હવે સૌથી મોટા સમાચાર આ ફિલ્મનું બજેટ છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત રામાયણ-પાર્ટ વન ભારતીય સિનેમાની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું બજેટ 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 835 કરોડ રુપિયા હશે.
બ્રહ્માસ્ત્રના આખા પ્રોજેક્ટનું બજેટ રૂ. 400 કરોડ
ખાસ વાત તો એ છે કે વર્ષ 2022માં રીલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 400 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જે સૌથી મોંઘી હિન્દી ફિલ્મોમાંની એક હતી. જોકે રણબીરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 400 કરોડનું બજેટ માત્ર પહેલી ફિલ્મનું નહિ, પરંતુ આખા ‘બ્રહ્માસ્ત્ર’ પ્રોજેક્ટનું છે. જેમાં ત્રણ ફિલ્મો સામેલ છે. મતલબ કે ‘રામાયણ’નું બજેટ ‘બ્રહ્માસ્ત્ર’ના આખા પ્રોજેક્ટ કરતા પણ વધારે છે.
રિપોર્ટ મુજબ રામાયણ પર બેઝ્ડ આદિપુરુષને ઈન્ડિયન સિનેમાની સૌથી મોંધી ફિલ્મ માનવામાં આવે છે. પહેલા ટ્રેલર બાદ તેની પર ફરી વખત કામ કરીને તેને રીલીઝ કરતી વખતે તેનું બજેટ 600 કરોડ રુપિયા જણાવવામાં આવ્યું હતું. એસએસ રાજામૌલીની ઓસ્કાર વિનિંગ ફિલ્મનું બજેટ 550 કરોડ રૂપિયા હતું. આવા સંજોગોમાં 835 કરોડના બજેટ સાથે રામાયણ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મનો રેકોર્ડ બનાવશે.
આમ જોઈએ તો પઠાણનું બજેટ 240 કરોડ રૂપિયા હતું. જ્યારે જવાનનું બજેટ 370 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. જ્યારે પુષ્પા 2નું બજેટ 500 કરોડ સુધીનું કહેવાય છે, જે હજુ પણ રામાયણ કરતા ઓછું છે. જો કે બોક્સ ઓફિસ પર શું પરિણામ આવશે? તે આગામી દિવસોમાં ખબર પડશે.
આ પણ વાંચોઃ ઝીનત અમાને સિગારેટ ફૂંકતો ફોટો શેર કર્યો, ડિમ્પલ કાપડિયાના વખાણ કર્યા