રાજકોટ : LRD ભરતીમાં બોગસ કોલ લેટરના આધારે ભરતી કૌભાંડનો પર્દાફાશ, 4ની અટકાયત

રાજ્યમાં સરકારી ભરતીમાં કૌભાંડીઓના એક બાદ એક કારનામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ-પોલીસ ખાતામાં LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતી થવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. 2021 માં યોજાયેલી લોક રક્ષક ભરતીમાં બનાવટી નિમણૂક પત્રના આધારે ઘુસવાનો પ્રયાસ કરવામા આવ્યો છે.
રાજકોટમાં બોગસ કોલ લેટરથી LRD ભરતીનું કૌભાંડ
રાજકોટમાં 19 ઓગસ્ટના રોજ પ્રદિપ મકવાણા નામનો યુવક એલઆરડીનો કોલ લેટર લઇને હાજર થવા આવ્યો હતો. કોલ લેટર શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરાઇ હતી જે બાદ આ કૌભાંડ સામે આવ્યું હતું.ત્યાર બાદ આરોપીને પોલીસને સોંપવાાં આવ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો, પ્રદિપ મકવાણા ખોટા નિમણૂંક પત્ર સાથે હાજર થયો હતો, તે નિમણૂંક પત્ર પર મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલ હતી. આમ બોગસ કોલ લેટરથી LRD ભરતી કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસે 4 લોકો સામે ફરિયાદ નોંધી છે.
પોલીસે 4 શખ્સોની અટકાયત કરી
રાજકોટમાં બનાવટી નિમણૂકપત્રને આધારે LRD માં ઘુસવાનો પ્રયાસ કરાવામા આવ્યો હતો. પરંતું દસ્તાવેજ વેરીફીકેશનમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલામાં પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે.આરોપી જસદણના પ્રદીપ મકવાણા, ભરત મકવાણા, ભાવેશ ચાવડા, બાલા ચાવડા નામના આરોપીની ધરપકડ કરવામા આવી છે. અને તેમની વિરુદ્ધ ipc 465, 467, 468, 471, 474, 120 (બી) અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
અત્યાર સુધી 29 નિમણુંક હુકમ બનાવ્યા
ભાવેશ ચાવડાએ ટપાલ દ્રારા બોગસ કોલ લેટર મોકલ્યો હતો. ભાવેશે ગાંધીનગરથી એક મહિલાનો ફોન પણ કરાવ્યો હતો. આરોપી પ્રદીપ મકવાણાએ પરીક્ષા પણ આપી નહોતી અને પરીક્ષા પાસ ન કરી છતાં નિમણુંક હુકમ આપવામા આવ્યો હતો. આ મામલે તપાસ કરતા અત્યાર સુધી 29 નિમણુંક હુકમ બનાવ્યાનું સામે આવ્યું છે. ત્યારે કૌભાંડ મામલે પોલીસે વધુ તપાસનાચક્રો ગતિમાન કરયા છે.
ચાર લાખ રૂપિયા લઇને નકલી નિમણૂક પત્ર મોકલ્યો
ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ કરતા પ્રદિપના માસા ભાવેશ ચાવડાએ 4 લાખ રૂપિયામાં સેટિંગ કરાવ્યાની વાત કહીને 2021માં એલઆરડી ભરતીનો કોલ લેટર આપ્યો હતો. 2021ની પરીક્ષામાં પ્રદીપ પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થયો હતો.ત્યારે આરોપી પ્રદિપને ભાવેશ ચાવડાએ લોક રક્ષકમાં ભરતી કરાવવાનું કહીને ગાંધીનગરથી એક મહિલાનો ફોન પણ કરાવ્યો અને ટપાલ દ્રારા બોગસ કોલ લેટર પણ મોકલ્યો.હાલમાં પોલીસે 4 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો : અમદાવાદ મૂળના કેતન શાહની મેક્સિકોમાં હત્યા, લૂંટારુંઓએ ફાયરિંગ કરી ચલાવી લૂંટ