ગુજરાત

Rajkot: મહાનગરપાલિકાએ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની દરખાસ્ત ફગાવી

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે એક મોટો નિર્ણય લેતા ગોંડલ રોડ પર આવેલી જાણીતી ‘પ્રેમવતી રેસ્ટોરન્ટ’ના બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની દરખાસ્તને સત્તાવાર રીતે ફગાવી દીધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ઓર્ડર ટુ રિફ્યુઝ રેગ્યુલરાઈઝેશન’ (ફોર્મ-ડી) જારી કરવામાં આવતા હવે આ બાંધકામ પર ડિમોલિશન અથવા સીલિંગનો ખતરો મંડરાઈ રહ્યો છે.

નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી

વાવડી સર્વે નંબર 38/1P અને ટી.પી. સ્કીમ નંબર 21 માં આવેલા ફાઈનલ પ્લોટ નંબર 7/1 પર આ રેસ્ટોરન્ટ આવેલી છે, જેની માલિકી BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ હસ્તક છે. તંત્ર દ્વારા વારંવાર પૂર્તતા કરવા માટે સમય આપવા છતાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં ન આવતા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરે આકરો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જમીન મહેસૂલ નિયમોના ઉલ્લંઘન બદલ કલેક્ટર તંત્ર દ્વારા સંસ્થાને ₹ 13,13,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

નામંજૂરી પાછળના 3 મુખ્ય કારણો

મનપાએ આ ઇમ્પેક્ટ પ્લાન રિજેક્ટ કરવા પાછળ મુખ્યત્વે સુરક્ષા અને કાયદાકીય પાસાઓને જવાબદાર ગણાવ્યા છે:

  1. ફાયર NOC નો અભાવ: જાહેર સુરક્ષા માટે અત્યંત અનિવાર્ય એવું ફાયર વિભાગનું એન.ઓ.સી. રજૂ કરવામાં આવ્યું નથી.

  2. NHAI ની મંજૂરી નથી: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની નિયંત્રણ રેખા તેમજ તેમનું NOC પણ રજૂ કરાયું નથી.

  3. ટી.પી. અભિપ્રાય: સંસ્થા દ્વારા ટાઉન પ્લાનિંગનો જરૂરી અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો નથી.

60 દિવસમાં અપીલ કરવાની તક

‘ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022’ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. જો અરજદાર આ હુકમથી નારાજ હોય, તો તેઓ નોટિસ મળ્યાના 60 દિવસની અંદર એપેલેટ ઓફિસર સમક્ષ અપીલ દાખલ કરી શકે છે. જોકે, હાલમાં પ્લાન રિજેક્ટ થતા પ્રેમવતી રેસ્ટોરન્ટના બાંધકામ પર કાયદેસરની તલવાર લટકી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સ્વામિનારાયણ સંસ્થા આ મામલે આગળ શું કાયદાકીય પગલાં ભરે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: Rajkot: “મારે બીજી પત્ની કરવી છે” કહી પતિએ પત્નીને લોખંડના પાઈપથી બેરહેમીથી ફટકારી

Back to top button