Rajkot: “મારે બીજી પત્ની કરવી છે” કહી પતિએ પત્નીને લોખંડના પાઈપથી બેરહેમીથી ફટકારી

Rajkot News: રાજકોટ શહેર નજીક આવેલા જીયાણા અને નાગલપર ગામમાં કૌટુંબિક હિંસાની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. માત્ર ફોન ન ઉપાડવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીને લોખંડના પાઈપ વડે બેરહેમીથી માર મારી હાથ અને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા હતા. આ મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, જીયાણા ગામે રહેતા દીપકભાઈ જેસીંગભાઇ જખાણીયાએ તેમના બનેવી લાલા બાબુ વાજેલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દીપકભાઈની નાની બહેન નાગલપર ગામે સાસરે છે અને તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. ગત તા. 24ના રોજ સાંજે જ્યારે તેની બહેન ઘરે રસોઈ બનાવી રહી હતી, ત્યારે પતિ લાલાએ ઘરે આવીને ફોન કેમ નથી ઉપાડતી તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.
ક્રૂરતાની પરાકાષ્ઠા: લોખંડના પાઈપથી હુમલો
ઝઘડા દરમિયાન પતિએ પત્નીને ગાળો આપતા કહ્યું હતું કે, “તું તારા ઘરે જતી રહેજે, મારે બીજી પત્ની કરવી છે.” આટલું કહી તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં પડેલા લોખંડના પાઈપ વડે પત્ની પર તૂટી પડ્યો હતો. પત્નીને ઢીકાપાટુનો અને પાઈપનો આડેધડ માર મારતા તેણી લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ભાઈ દીપકભાઈ અને પિતા તુરંત નાગલપર પહોંચ્યા હતા અને બહેનને છોડાવી જીયાણા લઈ આવ્યા હતા.
તબીબી તપાસમાં ફ્રેક્ચરનો ખુલાસો
બહેનને અસહ્ય દુખાવો થતો હોવાથી વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં એક્સ-રે અને રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે, પતિના મારને કારણે પત્નીને જમણા હાથમાં અને ડાબા પગમાં ગંભીર ફ્રેક્ચર થયા છે, જેનું ઓપરેશન કરવું પડશે.
પોલીસ કાર્યવાહી
પત્નીની હાલત જોઈને ભાઈ દીપકભાઈએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં બનેવી લાલા વાજેલિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે કૌટુંબિક હિંસા અને ગંભીર ઈજા પહોંચાડવા બદલ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. નજીવી બાબતે પત્નીના હાથ-પગ ભાંગી નાખવાની આ ઘટનાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: Gandhinagar: સરકારે ખેડૂતોની 14 મુખ્ય માંગણીઓનો સ્વીકાર કર્યો












