ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ નજીક ગમખ્વાર અકસ્માત, બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘૂસતા ખેડૂતનું મોત

Rajkot accident: રાજકોટ શહેર નજીક વહેલી સવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં દેવભૂમિ દ્વારકાના એક ખેડૂતનું કરુણ મોત નિપજ્યું છે. બેડી ચોકડી અને સોખડા ચોકડી વચ્ચે એચપી પેટ્રોલ પંપ નજીક કાર અચાનક ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા 58 વર્ષીય નારણભાઈ કરંગીયાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જ્યારે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

પરિવાર સાથે મુલાકાત બાદ ફરવા નીકળ્યા હતા

માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના માદેવિયા ગામમાં રહેતા નારણભાઈ કરંગીયા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. થોડા દિવસો પહેલાં તેમના વેવાઈ પક્ષના સગા રામશીભાઈ મહેમાન તરીકે ઘરે આવ્યા હતા. બંને સાથે ફરવા જવાનું નક્કી કરીને આણંદ તરફ જવા માટે કારમાં નીકળ્યા હતા.

રસ્તા પર પશુ આવતા બન્યો અકસ્માત

ગઈકાલે વહેલી સવારે આશરે 5:30 વાગ્યે તેઓ રાજકોટ નજીક બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એચપી પેટ્રોલ પંપ પાસે અચાનક એક પશુ રસ્તા પર આવી ગયું હતું. જેના કારણે આગળ જઈ રહેલા વાહનના ચાલકે તાત્કાલિક બ્રેક મારી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આચાનક બ્રેક મારાતા પાછળથી આવી રહેલી કારના ચાલક રામશીભાઈએ ટક્કર ટાળવા કારને રોડની સાઈડમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોડની બાજુમાં ઉભેલા ટ્રકનું ધ્યાન ન રહેતાં કાર સીધી ટ્રકની પાછળ જ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો.

ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન મોત

અકસ્માત સમયે નારણભાઈ ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા હતા. ટક્કર લાગતાં તેમના માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ડોક્ટરોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ નારણભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

કુવાડવા પોલીસે હાથ ધરી તપાસ

આ સમગ્ર મામલે કુવાડવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો અને ટ્રક રોડની સાઈડમાં કેમ ઉભો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

પરિવારમાં છવાયો શોક

મૃતક નારણભાઈ કરંગીયા પોતાના પરિવાર માટે આધારસ્તંભ સમાન હતા. તેઓ ખેતીકામ કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસ પહેલાં જ મહેમાન તરીકે આવેલા સગા સાથે ફરવા નીકળેલા નારણભાઈનું આ રીતે અકસ્માતમાં મોત થતાં ગામમાં પણ શોકનું માહોલ સર્જાયું છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર રસ્તા પર રખડતા પશુઓ અને હાઈવે પર ઉભા રહેતા વાહનોના જોખમ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: લોરેન્સ ગેંગના નામે એલ્વિશ યાદવને ધમકી, સોશિયલ મીડિયા પર ગરમાયો મામલો

 

Back to top button