Rajkot Ahir Family Car Fire Tragedy: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક એક અત્યંત કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. રણજીતપુર ગામથી માત્ર એક કિલોમીટર દૂર ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં આગળની સીટ પર બેઠેલા પિતા અને પુત્રીનું કારની અંદર જ જીવતા ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે કારની પાછળની સીટ પર બેઠેલા માતાનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે.
ધાર્મિક પ્રસંગમાંથી પરત ફરતી વખતે કાળ આંબી ગયો
મળતી માહિતી મુજબ, રાજકોટમાં હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલો આહિર પરિવાર કલ્યાણપુરના રણજીતપુર ગામે એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. પ્રસંગ પૂર્ણ કરીને આખો પરિવાર અત્યંત ખુશખુશાલ માહોલમાં પોતાની કાર દ્વારા રાજકોટ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રણજીતપુરથી થોડે દૂર નીકળતા જ કારમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આગળની સીટ પર સવાર વલ્લભભાઈ અને તેમની દીકરીને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો અને બંને આગની લપેટમાં આવી ગયા હતા.
નજર સામે પતિ-પુત્રી ગુમાવતા માતા આઘાતમાં
કારમાં આગ લાગતાની સાથે જ પાછળની સીટ પર બેઠેલા માતા સમયસૂચકતા વાપરીને કારનો દરવાજો ખોલી બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. આ અકસ્માતમાં તેમને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, પોતાની નજર સામે જ પતિ અને પુત્રીને જીવતા હોમાતા જોવાના કારણે માતાને ઊંડો માનસિક આઘાત લાગ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આખી કાર બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખી કાર બળીને કાળો ડબ્બો બની ગઈ હતી. પોલીસે પિતા-પુત્રીના કમભાગી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા એફએસએલ (FSL) ની મદદથી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સ્વચ્છ સર્વેક્ષણ 2025-26: સીટીઝન ફીડબેકમાં નડિયાદ મહાનગરપાલિકા સમગ્ર ગુજરાતમાં મોખરે











