ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UP પેપર લીક કેસના મુખ્ય આરોપી રાજીવ નયન મિશ્રાની STF દ્વારા ધરપકડ

  • આરોપી પહેલા પણ ઘણા મોટા પરીક્ષાના પેપર લીક કરી ચૂક્યો છે અને આ માટે તે જેલ પણ જઈ ચૂક્યો છે

નવી દિલ્હી, 3 એપ્રિલ: ઉત્તર પ્રદેશમાં STFને કોન્સ્ટેબલની પરીક્ષામાં થયેલા પેપર લીકના કેસમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. નોઇડા STF દ્વારા આ કેસના મુખ્ય આરોપી એવા રાજીવ નયન મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બુધવારે સવારે મુખ્ય આરોપી રાજીવ નયન મિશ્રાની નોઈડાથી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, આરોપી પહેલા પણ ઘણા મોટા પરીક્ષાના પેપર લીક કરી ચૂક્યો છે અને આ માટે તે જેલ પણ જઈ ચૂક્યો છે. યુપી પોલીસ અને STF ઘણા દિવસોથી તેની શોધમાં દરોડા પાડી રહી હતી.

 

ઉલ્લેખનીય છે કે, યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં લગભગ 48 લાખ યુવાનોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ પેપર લીક થવાને કારણે આ પરીક્ષા રદ કરવી પડી હતી. કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ થયા બાદથી પોલીસ પેપર લીકના આરોપીઓની ધરપકડ કરવામાં વ્યસ્ત છે. આ કેસમાં 300થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર લીક કેવી રીતે થયું?

મળતી માહિતી મુજબ, કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષાનું પેપર પ્રિન્ટીંગ પ્રેસ દ્વારા લીક થયું હતું. પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર બહાર આવતાં જ તેનું પરિવહન કરતી કંપની પાસે પહોંચ્યું કે તરત જ તે લીક થઈ ગયું હતું. પેપર લીક થાય તે માટે આખી યોજના અગાઉથી તૈયાર કરવામાં આવી હતી.

60 હજાર પોસ્ટ માટે ભરતી પરીક્ષા યોજાઇ હતી

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 17-18 ફેબ્રુઆરીના રોજ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી. આ ભરતી પરીક્ષા 60 હજારથી વધુની પોસ્ટ માટે યોજવામાં આવી હતી. યુપીના ઘણા જિલ્લાઓમાં મોટા પાયે પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ આપવા માટે માત્ર યુપી જ નહીં, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારથી પણ યુવાનો આવ્યા હતા, પરંતુ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું.

સોશિયલ મીડિયા પર આ અંગેના ઘણા વીડિયો અને ફોટા વાયરલ થયા બાદ કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ બોર્ડે મામલાની તપાસ કરી. જે બાદ યુપી સરકારે કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા રદ્દ કરી હતી અને આ મામલાની તપાસ યુપી એસટીએફને સોંપી દીધી હતી. પેપર લીક થયા બાદ પોલીસ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન બોર્ડના ડીજી રેણુકા મિશ્રાને પણ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

હાલમાં જ યુપીના ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, રાજીવ નયન ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરી ચૂક્યો છે. તાજેતરમાં લેવાયેલી RO/ARO પરીક્ષાનું પેપર લીક કરવામાં પણ તેનું નામ બહાર આવ્યું છે. ડીજીપીએ કહ્યું કે, કોન્સ્ટેબલ ભરતી પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 396 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 54 યુપી એસટીએફ દ્વારા ઝડપાયા છે.

આ પણ જુઓ: છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, અત્યાર સુધીમાં 13 નક્સલીઓને કર્યા ઠાર

Back to top button