ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું

Text To Speech
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8.2 ઇંચ વરસાદ ખાબક્યો
  • ઉપલેટાના લાઠ ગામમાં બે કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

અમદાવાદ, 22 જુલાઈ : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8.2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કામરેજ અને પલસાણામાં 6.4 ઇંચ વરસાદ નોંધાયો હતો તો સુરત શહેરમાં 5.8 ઇંચ, નીઝરમાં 5.6 ઇંચ, મહુવામાં 5.5 ઇંચ અને નવસારીમાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો હતો.

છ તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ

આ સાથે છેલ્લા 24 કલાકમાં ગણદેવી, પાટણ-વેરાવળ, બારડોલી, ઓલપાડ, પારડી અને અંકલેશ્વરમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથમાં સતત પાંચમાં દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગીર ગઢડામાં બે કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો : અંબાલામાં પૂર્વ સૈનિકે પરિવારના પાંચ સભ્યોની નિપજાવી હત્યા

ઉપલેટાના લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ

ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર લાઠ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.

આજે ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી ?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સોમવારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. તો આ ઉપરાંત જુનાગઢ, રાજકોટ બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : ગુજરાતના પાટનગરમાં વેપારમાં નફાની લાલચે ફેક્ટરીના સંચાલક રૂ.33.35 લાખમાં છેતરાયા

Back to top button