અમદાવાદગુજરાત

ગુજરાતમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Text To Speech

અમદાવાદ, 11 મે 2024, ગુજરાતમાં ભરઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 7 દિવસ ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 મેના રોજ થંડરસ્ટ્રોમની આગાહી તેમજ 15મી મેના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં તાપામાનનો પારો ઘટવાની શક્યતાઓ દર્શાવાઈ છે.

આજથી 13મી મે સુધી આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વલસાડ, નવસારી, ડાંગ, દાદરા અને નગર-હવેલી, દમણ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, દાદરાઅને નગર-હવેલી, દમણ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં વરસાદ થઈ શકે છે. 13મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, દાદાર અને નગર-હવેલી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

14થી 16મી મે સુધી આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે
હવામાન વિભાગ પ્રમાણે 14મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, નર્મદા, ભરૂચ,મહીસાગર અને 15મી મેના રોજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 16મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ થઈ શકે છે.

તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આજરોજ પણ હવામાન વિભાગ દ્વારા શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની શક્યતા વ્યક્ત કરી છે. હજુ પણ આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. ત્યાર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પ્રદેશ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા સાથે વરસાદનાં એંધાણ રહેલાં છે.

આ પણ વાંચોઃગુજરાતમાં બે દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે, જાણો ક્યા પવન સાથે વરસાદ ખાબકશે

Back to top button