ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રેલવે પ્રશાસનની સરાહનીય કામગીરી: મુસાફરની રૂ. 10 લાખના દાગીનાની ખોવાયેલી બેગ પરત કરી

ભાવનગર, 03 ફેબ્રુઆરી: ખોવાયેલી વસ્તુ પાછી મળી જાય ત્યારે કેટલી ખુશી થાય છે, તે એ જ વ્યક્તિ અનુભવી શકે જેની સાથે આવી ઘટના બની હોય. હકીકતમાં ભાવનગર વેસ્ટર્ન રેલવે ડિવિઝનમાં એક શખ્સની 10 લાખ રૂપિયાથી વધુ કિંમતના દાગીનાની બેગ ખોવાઈ ગઈ હતી. જો કે, રેલવેની ટીમને આ અંગે જાણકારી મળતી તેમણે બેગની શોધખોળ શરૂ કરી હતી. કોચની અંદર બેગ સલામત રીતે મળી આવતા મુસાફરને તમામ દાગીના સાથે અકબંધ બેગ પાછી કરાઈ હતી.

મુસાફરની બેગ કોચમાં રહી ગઈ હતી

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે આપેલી વિગત મુજબ, સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયામાં બેન્ક મેનેજર અજય કુમાર ગુપ્તા તેમના પરિવાર સાથે 31 જાન્યુઆરીએ પ્રયાગરાજ જંક્શનથી અમદાવાદ જંક્શન જતી બનારસ-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન નંબર 12946માં બેઠા હતા. તેમની પુત્રીના લગ્ન 27 જાન્યુઆરીએ રોજ થયા હતા અને રિસેપ્શન 01 ફેબ્રુઆરી, 2024ના રોજ અમદાવાદમાં યોજાવાનું હતું. અમદાવાદ ઉતરતી વખતે તેમની એક બેગ બોગી નંબર B3માં રહી ગઈ હતી. તે બેગમાં 10 લાખ રૂપિયાથી વધુની કિંમતના દાગીના હતા.

રેલવે અધિકારીઓએ બેગ શોધી કાઢી અને પરત કરી

જો કે, ટ્રેન અમદાવાદ સ્ટેશનથી રવાના થઈ હતી. જ્યારે અજય ગુપ્તાને ખબર પડી કે તેમની પોતાની બેગ કોચમાં ભૂલી ગયા છે ત્યારે તરત જ રેલવે સ્ટાફ અને અધિકારીઓનો સંપર્ક કર્યો. ભાવનગર રેલવે મંડળના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર સી.આર. ગરુડને આ વાતની જાણ થતાં તેમણે તરત જ ગાંધીગ્રામના સ્ટેશન માસ્ટરનો સંપર્ક કર્યો હતો. રેલવે કર્મચારી ગાંધીગ્રામના ટ્રાફિક ઈન્સ્પેક્ટર ચંદ્રભાન મહેરા અને સ્ટેશન માસ્ટર હર્ષદ મકવાણાએ કોચની તપાસ કરી અને બેગ સુરક્ષિત રીતે મળી આવી. આ પછી રેલવે કર્મચારીઓએ પેસેન્જરનો સંપર્ક કર્યો અને બેગ પરત કરી હતી.

પેસેન્જરે રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો

મુસાફર દ્વારા તમામ દાગીના અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે આ ઉત્કૃષ્ટ કાર્ય માટે રેલવે પ્રશાસન, સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી, જેમના પ્રયત્નો અને ઈમાનદારીના કારણે તેમને તેમનો સામાન મળ્યો. મહત્ત્વનું છે કે, વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝન રેલવે મુસાફરોને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. ડિવિઝન પર ‘ઑપરેશન અમાનત’ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા રેલવે મુસાફરોના ખોવાયેલા સામાનને સોંપવાનું કામ કરાય છે.

આ પણ વાંચો: રેલવેની ઘાત ટળી! શિવગંગા એક્સપ્રેસે સિગ્નલ તોડ્યું, રેલવે પ્રશાસનમાં ખળભળાટ

Back to top button