ટ્રેન્ડિંગનેશનલ

ટ્રેનમાં ભારે ભીડ વચ્ચે મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસથી નીચે પડકાયા 3 મુસાફર, 2ના મૃત્યુ

મહારાષ્ટ્ર: 19 ઓક્ટોબર, 2025: મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી બિહાર જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસ (Karmabhoomi Express)માં મોટો અકસ્માત સર્જાયો છે. નાસિક રોડ રેલ્વે સ્ટેશનથી થોડા અંતરે ટ્રેનમાંથી ત્રણ મુસાફરો નીચે પડી ગયા, જેમાંથી બે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

ભારે ભીડને કારણે મુસાફરો નીચે પટકાયા:

પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ભુસાવલ તરફ જતી રેલ્વે લાઇનના કિલોમીટર 190/1 અને 190/3 ની વચ્ચે થઈ હતી. મૃતક યુવકોની ઉંમર 30 થી 35 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. ત્રીજા મુસાફરને ગંભીર હાલતમાં જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે, ટ્રેનમાં ભારે ભીડ હોવાના કારણે મુસાફરો નીચે પડી ગયા.

અધિકારીઓએ મૃતદેહોનો કબ્જો લીધો:

ઘટનાની જાણ થતાં જ નાસિક રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોનો કબજો લીધો હતો. હાલ ત્રણેય મુસાફરોની ઓળખ થઈ શકી નથી.

ઓઢા રેલ્વે સ્ટેશનના મેનેજર આકાશે પોલીસને જાણ કર્યા પછી વરિષ્ઠ પોલીસ નિરીક્ષક જીતેન્દ્ર સપકાલેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને પંચનામું તૈયાર કરીને મૃતદેહોની ઓળખ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

તહેવાર કે મતદાન માટે પ્રવાસ? તપાસ ચાલુ:

દિવાળીની સિઝનમાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ રહે છે. અધિકારીઓ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, મુસાફરો પોતાના ગામડે તહેવાર મનાવવા જઈ રહ્યા હતા કે પછી આવનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરો જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમના સામાનના આધારે તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની, એક વર્ષમાં 73 કલાક ગુમાવ્યા

આ પણ વાંચોઃ હજારથી વધુ વધારાની સ્પેશ્યલ ટ્રેનના દાવા વચ્ચે રેલ્વે સ્ટેશનો પર વિપરિત દ્રશ્યઃ ભૂખ્યા-તરસ્યા વતન જવા માટે લોકો પરેશાન

Back to top button