મોદી-યોગીની 45 રેલી સામે રાહુલ ગાંધીની માત્ર એક રેલીઃ શું કોંગ્રેસ આ રીતે ભાજપનો મુકાબલો કરી શકશે?
- 26 એપ્રિલ સુધીમાં યોગી આદિત્યનાથે 38 રેલી ઉપરાંત પ્રબુદ્ધ નગરજનો સાથે બેઠકો કરી
- પીએમ મોદીએ એ જ ગાળામાં ઉત્તરપ્રદેશમાં સાત સભા અને બે મોટા રોડ-શો કર્યા
લખનઉ, 28 એપ્રિલ, 2024: લોકસભા ચૂંટણીના સાતમાંથી બે તબક્કાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આમ તો તમામ રાજકીય પક્ષો પોતપોતાની પૂરી તાકાત લગાવીને તેમના ઉમેદવારોને જીતાડવા મહેનત કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક રસપ્રદ સમીક્ષા જાહેર થઈ છે જેને કારણે ભારતીય જનતા પાર્ટી અને તેના મુખ્ય હરીફ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય છે.
અત્યાર સુધીના ચૂંટણી પ્રચારનું એ રસપ્રદ તારણ એ છે કે, ચૂંટણી જાહેર થઈ ત્યારપછીના ત્રણ અઠવાડિયામાં ઉત્તર પ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 26 એપ્રિલને શુક્રવાર સુધીમાં 38 જાહેરસભાઓને સંબોધન કર્યું છે. તે ઉપરાંત તેમણે અલગ અલગ શહેરોમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ બેઠકો પણ યોજી છે. આ જ ગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉત્તરપ્રદેશમાં સાત જાહેરસભાને સંબોધન કરવા ઉપરાંત બે રોડ-શો કરી ચૂક્યા છે.
ભાજપના નેતાઓની આવી મહેનતની સામે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર સાવ વામણો લાગે છે. એ સાચું કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર ચૂંટણી લડે છે. એ કારણે રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશમાં પૂરતું ધ્યાન નહીં આપતા હોય એવી દલીલ થઈ શકે. પરંતુ હકીકત એ છે કે, કોંગ્રેસ ઈન્ડિ ગઠબંધનની સાથે ચૂંટણી લડે છે. અર્થાત કોંગ્રેસ ભલે માત્ર 17 બેઠક પર ચૂંટણી લડતો હોય પરંતુ શું બાકીના સાથી પક્ષોની બેઠકો માટે પ્રચાર કરવાની કોંગ્રેસની જવાબદારી નથી? ભાજપ પણ એનડીએના તેના સાથી પક્ષોની સાથે મળીને તમામ 80 બેઠકો પર ચૂંટણી લડે છે. અને વડાપ્રધાન મોદી તથા યોગી આદિત્યનાથ સહિત ભાજપના તમામ ટોચના નેતાઓ NDA જોડાણના સાથી પક્ષોના ઉમેદવારો માટે પણ પ્રચાર કરે જ છે.
જોકે, પ્રચારના ટ્રેન્ડ પરથી એ સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ આ વખતે દક્ષિણ ભારતમાં મહત્તમ ધ્યાન આપવા માગે છે. એક એવી છાપ છે કે, દક્ષિણ ભારતમાં કોંગ્રેસની સ્થિતિ ઘણી મજબૂત છે. કર્ણાટક જેવા મોટા રાજ્ય ઉપરાંત તેલંગણામાં પણ કોંગ્રેસની સરકાર છે. તે ઉપરાંત રાહુલ ગાંધી પોતે કેરળના વાયનાડથી ચૂંટણી લડે છે. તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનના ડીએમકે સાથે જોડાણ છે. આ બધા સંજોગોમાં કોંગ્રેસ તથા ઈન્ડિ જોડાણને દક્ષિણમાં મહત્તમ બેઠકો મળવાની આશા છે. વળી અત્યાર સુધી જે ઓપિનિયન પોલ થયા તેમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. અને તેથી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પ્રચાર ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઉત્તરપ્રદેશ બાદ ગુજરાત. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પણ મહત્ત્વનાં રાજ્યો છે જ્યાં હજુ સુધી કોંગ્રેસ દ્વારા મોટાપાયે પ્રચાર જોવા મળતો નથી. પ્રિયંકા વાડરા ગઈકાલે એક વખત ગુજરાતમાં સભા કરી ગયા, પરંતુ રાહુલ ગાંધીએ હજુ સુધી કોઈ મોટી સભા ગુજરાતમાં કરી નથી.
એ વાત સાચી છે કે, ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે અને તેથી કોંગ્રેસના ટોચના નેતાઓ મતદાનના તબક્કા પ્રમાણે તેમના પ્રચારની વ્યૂહરચના ગોઠવે છે. પરંતુ સાથે એ મુદ્દો પણ અગત્યનો છે કે, તબક્કાવાર મતદાન પ્રમાણે પ્રચારનું આયોજન તો ભાજપે પણ કરવાનું છે. અને તેમ છતાં ભાજપે વ્યૂહરચનાના ભાગરૂપે તમામ રાજ્યમાં ટોચના નેતાઓને, કેન્દ્રીય મંત્રીઓને પ્રચાર માટે મોકલવાની સ્ટ્રેટેજી અપનાવી છે. તેની સામે કોંગ્રેસનો પ્રચાર ફિક્કો લાગે છે. બીજી તરફ, આખા દેશમાં ફરીને પ્રચાર કરી શકે એવા એક નેતા અરવિંદ કેજરીવાલ છે, પરંતુ શરાબ કૌભાંડને કારણે તેઓ જેલમાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમત બેનરજી પ્રભાવક પ્રચાર કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેમના પક્ષનું પશ્ચિમ બંગાળની બહાર કોઈ જ વજૂદ નહીં હોવાથી મમતા બેનરજી પણ બંગાળની બહાર નીકળતા નથી.
આ પણ વાંચોઃ દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો, અરવિંદર સિંહ લવલીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું