Panama Papers: માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર 12 મેના રોજ MP હાઈકોર્ટમાં અંતિમ સુનાવણી

Defamation Case: પનામા પેપર્સ ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર અંતિમ સુનાવણી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં 12 મે, 2026ના રોજ થવાની છે. આ મામલો 2018 ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન યોજાયેલી ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો છે, જેમાં તેમણે તે સમયના મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને તેમના પુત્ર અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી.
હકીકતમાં, ઝાબુઆમાં આયોજિત એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, રાહુલ ગાંધીએ કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે પનામા પેપર્સ લીક કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને તેમના પુત્ર કાર્તિકેય સિંહ ચૌહાણના નામ સામેલ હતા, જોકે રાહુલ ગાંધીએ નિવેદનના બીજા જ દિવસે ભૂલ સ્વીકારી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે તે સમયના મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમજ તેમના પુત્ર કાર્તિકેય સિંહ ચૌહાણનું નામ પનામા પેપર્સમાં હોવાનું કહીને રાહુલ ગાંધી ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા. પછી રાહુલ ગાંધીએ તરત જ પોતાની ભૂલ સુધારતાં કહ્યું હતું કે તેઓ ગેરસમજમાં આવી ગયા હતા અને પનામા પેપર્સ લીક કેસમાં મુખ્યમંત્રીના પરિવારની કોઈ ભૂમિકા નથી.
કાર્તિકેય સિંહ ચૌહાણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ શિવરાજ સિંહ ચૌહાણ અંગે ખોટું નિવેદન આપ્યું અને પોતાની ભૂલ માટે જાહેરમાં માફી પણ માંગી નહોતી. આ કારણે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ MP-MLA કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાંમાં પડકાર્યો છે અને MP હાઈકોર્ટની જબલપુર બેન્ચ 12 મેના રોજ અરજીની સ્વીકાર્યતા અને યોગ્યતા મુદ્દે અંતિમ સુનાવણી કરશે.
અન્ય કેસોની સુનાવણી પણ 12 મેના રોજ
યોગાનુયોગ, 12 મેના રોજ રાહુલ ગાંધી સાથે જોડાયેલા અન્ય બે મહત્વના કેસોની સુનાવણી પણ અલગ-અલગ કોર્ટોમાં થવાની છે. આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલી એક અરજીની સુનાવણી અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં થશે. જ્યારે બીજી સુનાવણી વારાણસીની MP-MLA કોર્ટમાં થવાની છે, જ્યાં BJP કાર્યકરો અને હિંદુ રાષ્ટ્રવાદ અંગે તેમની કથિત ટિપ્પણીઓને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પટનામાં શિક્ષક ઉમેદવારો પર લાઠીચાર્જ, પોલીસે રસ્તા પર દોડાવી-દોડાવીને માર માર્યો












