“બેંકિંગ સિસ્ટમ ગરીબ હોવાની સજા ન આપે”, મિનિમમ બેલેન્સના નામે બેંકોએ વસૂલ્યા 19,000 કરોડ

Bank Penalty: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં એક મોટો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે સરકારને અપીલ કરી છે કે બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ લાગતી પેનલ્ટી તરત જ દૂર કરવામાં આવે. તેમણે કહ્યું કે આ પેનલ્ટી ગરીબોને “ગરીબ હોવા બદલ સજા” છે અને તેને બંધ કરવી જોઈએ.
શું કહ્યું AAP સાંસદે?
રાજ્યસભામાં “એપ્રોપ્રિયેશન બિલ, 2026” પર ચર્ચા દરમિયાન રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, “છેલ્લા ત્રણ વર્ષમાં બેંકો દ્વારા માત્ર મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ સામાન્ય જનતા પાસેથી કુલ 19,083 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. તેમાં પબ્લિક સેક્ટર બેંકો દ્વારા 8,093 કરોડ અને પ્રાઈવેટ બેંકો દ્વારા 10,991 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.” તેમણે વધુમાં જણાવ્યું કે આ આંકડા લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સત્તાવાર જવાબ પરથી લેવામાં આવ્યા છે.
બેંકમાં સેવિંગ્સ ખાતું ખોલાવો તો ઘણી બેંકો કહે છે કે, તમારા ખાતામાં હંમેશા ઓછામાં ઓછા 1,000 થી 10,000 (બેંક પ્રમાણે) રાખવા પડશે. જો તમે તે રકમથી નીચે જાઓ, તો બેંક તમારા ખાતામાંથી પેનલ્ટી કાપી લે છે. આ પેનલ્ટી 100 થી 600 સુધીની હોઈ શકે છે, અને ક્યારેક મહિને બે-ત્રણ વખત પણ લાગે છે.
AAP સાંસદે કહ્યું, “આ પેનલ્ટી અમીરો પાસેથી નહીં, પરંતુ ખેડુતો, પેન્શનરો અને મજૂર જેવા સામાન્ય માણસોના ખાતામાંથી કાપવામાં આવે છે. આ લોકો પાસે હંમેશા પૈસા નથી હોતા, તેથી તેઓ બેંકોમાં મિનિમમ બેલેન્સ રાખી શકતા નથી અને જ્યારે તેમના ખાતામાં પૈસા ઓછા થાય ત્યારે બેંક તેમને “ગરીબ હોવા બદલ સજા” આપે છે, એટલે કે પેનલ્ટી કાપી લે છે.
“જો પૈસા હોય તો મિનિમમ બેલેન્સ રાખી લે, પણ જે ગરીબ પાસે પૈસા જ નથી તેને પેનલ્ટી કેમ? બેંકિંગ સિસ્ટમ ગરીબ હોવાની સજા ન કરે.”
પેનલ્ટી કેવી રીતે કપાય છે?
- મોટાભાગની બેંકોમાં સેવિંગ્સ ખાતામાં 1,000 થી 10,000 સુધીનું મિનિમમ બેલેન્સ રાખવું પડે છે.
- જો ન રાખો તો 100થી 600 સુધીની પેનલ્ટી કપાઈ જાય છે (મહિને અથવા ત્રણ મહિને).
- મુક્ત ખાતા: જન-ધન અને બેઝિક સેવિંગ્સ ખાતામાં આ પેનલ્ટી લાગુ નથી – તેમાં શૂન્ય બેલેન્સ પણ ચાલે છે.
- કેટલીક પબ્લિક બેંકો (જેમ કે SBI, PNB, Canara Bank)એ 2020થી પેનલ્ટી ઘટાડી અથવા માફ કરી છે, પણ હજુ પ્રાઈવેટ બેંકો અને કેટલીક અન્યમાં ચાલુ છે.
આ મુદ્દો સામાન્ય માણસને સીધો અસર કરે છે. ઘણા ખેડુતો, વૃદ્ધો અને મજૂરોને પોતાના ખાતામાં પૈસા ભરવાની તકલીફ પડે છે અને નાની-નાની રકમ કપાતી રહે છે. સંસદીય પેનલે પણ છેલ્લા વર્ષે 4,818 કરોડની પેનલ્ટી જોઈને આ દૂર કરવાની ભલામણ કરી છે. રાઘવ ચઢ્ઢાએ આને “ગરીબી પર ચૂપકીથી ટેક્સ” કહીને વર્ણવ્યું છે.
આ મુદ્દે સરકાર કે બેંકો તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આ નાની-નાની પેનલ્ટીઓ અનેક પરિવારોના બજેટને અસર કરે છે. હવે આ મુદ્દે સરકાર અને બેંકો શું પગલાં લે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: નંદીગ્રામથી ચૂંટણી નહીં લડે મમતા, ભવાનીપુરમાં સુવેન્દુ સાથે મુકાબલો, TMCના તમામ 291 ઉમેદવારોની યાદી જાહેર












