ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

“ડાયપર ના બગાડી નાખુ તો કહેજો”, રાજકોટથી બાબા બાગેશ્વરને ખુલ્લો પડકાર

Divya Darbar viral video: આજે વાત કરવાની છે રાજકોટના રેસકોર્સ મેદાનમાં બનેલી એ ઘટનાની જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. કલ્પના કરો કે હનુમાન કથા ચાલી રહી હોય, હજારો લોકો ભક્તિમાં લીન હોય. અચાનક મંચ પરથી એક હુંકાર આવે… ને પછી કેટલાક લોકો અચાનક ધૂણવા લાગે… મહિલાઓ, પુરુષો અને એક નાનું બાળક બધા. એક મહિલા તો ધુણતા ધુણતા અચાનક આક્રમક બની ગઈ ને નજીકના લોકો પર હુમલો કરી દીધો. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અનેક સવાલો તથા ચર્ચાઓને જન્મ આપી રહ્યો છે.

આ બધું થઈ રહ્યું છે દિવ્ય દરબારના નામે. આ મામલે સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર આગેવાન અને વકીલ પુરુષોત્તમભાઈ પીપળીયાએ કહ્યું કે આ દિવ્ય નથી, આ તો પ્રેત દરબાર છે. તેમણે સીધો પડકાર ફેંક્યો છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, એટલે કે બાબા બાગેશ્વરને. તો આવો આ આખા વિવાદને આજે વિગતે સમજીએ. પછી તમે પણ વિચારજો – શું આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા?

રાજકોટમાં દિવ્ય દરબાર યોજાયો

5થી 7 જૂન 2026 દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન સેતુ હનુમાન કથા અને દિવ્ય દરબાર યોજાયો હતો. પ્રખ્યાત કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીની આ કથાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ હતો. ત્રણેય દિવસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રેસકોર્સ મેદાને ઉમટી પડ્યા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે કથા અને દરબારનો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે ચાલ્યો. પણ કથાના છેલ્લા દિવસે કથા પૂર્ણ થયા બાદ કેટલાક એવા દ્રશ્યો સામે આવ્યા, જેણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી.

બાબાના હુંકાર બાદ લોકો ધુણવા લાગ્યા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાય છે કે દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આહવાન કે હુંકાર કર્યો હતો. આ હુંકાર બાદ દરબારમાં હાજર લોકો અચાનક ધૂણવા લાગ્યા. દરમિયાન એક મહિલા ઉગ્રતાથી ધૂણવા લાગી. જોતજોતામાં આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો. લોકોએ આને પ્રેતબાધા સાથે જોડ્યું. કહ્યુ તેના પર કોઈ અદૃશ્ય શક્તિનો પ્રભાવ છે. દરબારમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય એવી સ્થિતિ બની ગઈ. લોકો અંદરોઅંદર ધૂણીને આક્રમક થઈ રહ્યા હતા છતાં, ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પરથી આ સમગ્ર ઘટના મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા.

એક બાળક પણ ધૂણવા લાગ્યો

આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચા એ વાતને લઈને થઈ કે આમા એક નાનું બાળક પણ ધૂણતા જોવા મળ્યું. સામાન્ય રીતે આવી ઘટનાઓમાં મોટી ઉમરના લોકો જોવા મળે છે, પરંતુ એક નાનકડા બાળકનું આ રીતે ધૂણતું દેખાવું સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. આ દ્રશ્યોના વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ મંતવ્યો આપી રહ્યા છે.

જો ડાયપર ના બગાડી નાખુ તો કહેજો

આ મામલે પુરષોત્તમભાઈ પીપળીયાએ બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વર સામે ફરી એકવાર સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે બાબાનું નામ લઈને સીધી ચેલેન્જ આપતા લખ્યું છે કે, જો તમારામાં તાકાત હોય તો તેઓ પોતાની પસંદગીના મીડિયા હાઉસમાં આવીને મોરે મોરો એટલે કે સામસામે ચર્ચા કરે અને જો હું ચર્ચામાં ડાયપર ના બગાડી નાખુ તો કહેજો. અગાઉ પણ બાબા બાગેશ્વર સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના ગંભીર આરોપો લગાવી ચૂકેલા પીપળીયાએ ગઈકાલે દિવ્ય દરબારમાં ભૂત-પિશાચના નામે લોકોને ધુણાવવાની કથિત ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે.

બાબા લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવે છે

પુરુષોત્તમભાઈએ કહ્યું કે આ ઘટના થવાની જ હતી. એક અઠવાડિયાથી હું વરતારો આપી રહ્યો હતો. આ બાબા ડાકીની, શાકીની, પિચાચીની અને પ્રેત આત્માઓને બોલાવીને, ધુણાવીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવે છે અને આ અંધશ્રદ્ધાના આધારે જ તેઓ આર્થિક લાભ મેળવે છે. બાબાને હનુમાન ચરિત્રની કથામાં કોઈ રસ જ ન હતો તે તેમની બે દિવસની કથા ઉપરથી સાબિત થાય છે. બાબાને હનુમાન ચરિત્ર વિશે કોઈ નોલેજ પણ નથી. તેમને માત્ર દિવ્ય દરબારમાં રસ છે જેને હું પ્રેત દરબાર કહું છું. જે આજે સાબિત થઈ ગયું છે. ચિઠ્ઠી-ચબરખી કાઢવી, વરતારો આપવો આ બધું ઢોંગ અને જાદુગરી છે. જાદુગરો પણ આવી જાદુગરી કરે છે પણ તેઓ આને ટેકનિક કે ટ્રિક કહે છે. પણ બાબા તો ઈશ્વરીય શક્તિનું લેબલ લગાવીને લોકોની શ્રદ્ધા સાથે રમત રમે છે.

તેમણે કહ્યું, જેમ જાદુગરો પોતાના સાથીદારો સાથે કાર્યક્રમ યોજે છે. એમ આ બાબા પણ પોતાના સાથીદારો સાથે લઈને આવ્યા હતા. પોપટ બોલતો હોય એવું સાથીદારો બોલતા. આમાં કોઈ પણ પ્રકારની દિવ્ય શક્તિ છે તેવું માનવાનું કોઈ કારણ જ નથી. જે ધુણતા હતા તેમને પત્રકારો જ દેખાતા હતા. તે પત્રકારોને જોઈ જોઈને તેમના ઉપર હુમલો કરતા હતા તો ડાકીની, શાકીનીને ખબર છે કે આ પત્રકાર છે? જે બચી ગયા તે પણ પત્રકાર હતા અને જેની સાથે ઝપાઝપી થઈ તે પણ પત્રકાર હતા. પત્રકારોને ભગાડવા માટે ડાકીની હતી, શાકીની અને પિચાચીની ધુણતા હતા. આ બધું પ્લાન્ટેડ હતું. આ દરમિયાન એક બાળકને પણ ધુણાવવામાં આવ્યો. તે એક હિન પ્રકારનું કૃત્ય કહી શકાય. બાળકને આપણે વૈજ્ઞાનિક કે એન્જિનિયર બનાવો છે કે પછી અંધશ્રદ્ધામાં લઈ જવો છે. એ આપણે નક્કી કરવાનું છે. બાબાએ આ પ્રકારનું કૃત્ય ન કરવું જોઈએ.

29 વર્ષ જૂના અપહરણ કેસની ચેલેન્જ

તેમણે કહ્યું, અગાઉ નિર્મલ બાબા, આસારામ બાપુ અને રામ રહીમ જેવા અનેક બાબાઓ થઈ ગયા પરંતુ આ પ્રકારના બાબાઓને રાજકીય હસ્તીઓ અને સેલિબ્રિટીઓ પ્રોત્સાહન આપે છે. જેથી હું આ પ્રવૃત્તિઓ માટે આ પ્રકારના લોકોને જવાબદાર ગણું છું નહીં કે પબ્લિકને. પુરુષોત્તમભાઈએ પોલીસમાં સુઓમોટો કેસ નોંધવાની માંગ કરી. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સાથે મળીને અરજી પણ કરી. જયંત પંડ્યાએ કહ્યું કે બાબા ચિઠ્ઠીઓ અને નામાવલિ દ્વારા જાદુગરી કરે છે, જે વાસ્તવમાં પ્લાન્ટેડ હોય છે. પુરુષોત્તમભાઈએ તો બાબાને રાજકોટના 29 વર્ષ જૂના મોહિલ મોરધરા અપહરણ કેસનો પડકાર પણ ફેંક્યો અને કહ્યું કે જો તમે અંતર્યામી છો તો વર્ષોથી ગુમ થયેલા આ યુવક વિશે માહિતી આપો અને તેનુ અપહરણ કોણે કર્યું તે પણ જણાવો. તેમણે કહ્યું, હું દરબારમાં મારી રજૂઆત અને ચિઠ્ઠી લઈને પહોંચવાનો હતો, પણ પોલીસે મને અટકાવ્યો. તેમણે કહ્યું કે એક તરફ પડકાર આપો છો, બીજી તરફ અટકાવો છો.

માનસિક રોગીઓનો મેળો અને અવૈજ્ઞાનિક સારવાર

આ બાબા અને દિવ્ય દરબાર સામે હવે સ્થાનિક સ્તરેથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. જયંત પંડ્યા અને પુરુષોત્તમ પીપળીયાએ આ મામલે સીધો મોરચો માંડ્યો છે. તેમણે કહ્યું કે કોઈ તબીબી ડિગ્રી વગર કેન્સર જેવા રોગો મટાડવાના દાવા અંધશ્રદ્ધા છે. આ બાબા ચમત્કારોના નામે લોકોની લાગણીઓ સાથે રમત કરી રહ્યો છે અને સરેઆમ અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યો છે. આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલનારા છે. વિજ્ઞાન જાથાએ તો કહ્યું કે આ માનસિક રોગીઓનો મેળો છે અને અવૈજ્ઞાનિક સારવાર છે.

મિત્રો, અંધશ્રદ્ધા એટલે એવી માન્યતા જેને વિજ્ઞાન, તર્ક અને પુરાવાની જરૂર નથી. આપણા સમાજમાં અંધશ્રદ્ધા લોકોને પાછળ ધકેલે છે. બાળકોને વૈજ્ઞાનિક અને એન્જિનિયર બનાવવાને બદલે ભૂત-પ્રેત અને ચમત્કારોમાં ધકેલવા જેવું કામ સમાજ માટે ખુબ જોખમી છે.

આવા બાબાઓને રાજકીય હસ્તીઓ અને સેલિબ્રિટીઓ પ્રોત્સાહન આપે છે, જેના કારણે અંધશ્રદ્ધા વધે છે. આપણે શ્રદ્ધા રાખીએ – હનુમાનજીમાં, ધર્મમાં- પણ અંધશ્રદ્ધા નહીં. બધાએ વિજ્ઞાન અને તર્ક સાથે આગળ વધવુ જોઈએ. જો કોઈ ચમત્કાર કરે છે તો પુરાવા માંગો, એને કો અમારી ચેલેન્જ સ્વીકારે. નહીં તો આ બસ ઘંધો છે, એટલુ સમજી લો કે, અંધશ્રદ્ધા સમાજને અંધારામાં રાખે છે, જ્યારે તર્ક અને વિજ્ઞાન તેને પ્રકાશ તરફ લઈ જાય છે. પુરુષોત્તમભાઈ અને વિજ્ઞાન જાથા જેવી સંસ્થાઓ અવાજ ઉઠાવે છે તે સારું છે. પોલીસ અને વહીવટી તંત્રે પણ આ મામલે તપાસ કરવી જોઈએ.

આ પણ વાંચો: કરજણ પાસે ભયાનક અકસ્માત, ઉભેલી કારને આઈસર ટ્રકે ટક્કર મારતા 3 લોકોના મોત

Back to top button