પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિ રોકવા બનશે કાયદો, લોકસભામાં બિલ રજૂ
નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકારે સોમવારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવા સંસદમાં નવું બિલ રજૂ કર્યું છે. બિલમાં આ ગુના માટે મહત્તમ 1 થી 10 વર્ષની જેલ અને 3 થી 5 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. જોકે, અમુક કેસમાં દંડની જોગવાઈ રૂપિયા એક કરોડ સુધીની પણ હોઈ શકે છે. સોમવારે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) બિલ, 2024 રજૂ કરાયું હતું. કેન્દ્રીય કેબિનેટે થોડાક સમય પહેલાં આ બિલને મંજૂરી આપી હતી. પ્રસ્તાવિત બિલમાં વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવશે નહીં, પરંતુ સંગઠિત અપરાધ, માફિયા અને મિલીભગતમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
The Public Examinations (Prevention of Unfair Means) Bill, 2024 introduced in Lok Sabha.
— ANI (@ANI) February 5, 2024
સજા માટેની જોગવાઈઓ વધુ કડક બની
ખરડાનું ધ્યાન પરીક્ષા પહેલા પેપરને ઉમેદવારો સુધી પહોંચાડવા માટે ગેરવાજબી માધ્યમોમાં સામેલ સંગઠિત સિન્ડિકેટો પર કાર્યવાહી કરવા પર રહેશે. આ ઉપરાંત સજાની જોગવાઈઓ પણ વધુ કડક કરવામાં આવશે.
- પ્રસ્તાવિત બિલનો હેતુ તે વ્યક્તિઓ, સંગઠિત જૂથો અથવા સંસ્થાઓને કાયદેસર રીતે રોકવાનો છે જેઓ વિવિધ અન્યાયી અને ગેરકાયદાકીય માધ્યમોમાં સામેલ છે.
- નાણાકીય અથવા અન્યાયી લાભ માટે જાહેર પરીક્ષા વ્યવસ્થાને પ્રતિકૂળ અસર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- UPSC, SSB, RRB, બેન્કિંગ, NEET, JEE, CUET જેવી પરીક્ષાઓ આ કાયદાના દાયરામાં આવશે.
- નિયુક્ત ઉમેદવારની જગ્યાએ અન્ય કોઈને પરીક્ષા આપવા, પેપર સોલ્વ કરાવવા, કેન્દ્ર સિવાય અન્ય જગ્યાએ પરીક્ષા યોજવા અથવા પરીક્ષા સંબંધિત છેતરપિંડીની માહિતી ન આપનાર સામે કાર્યવાહી હાથ ધરાશે.
- પેપર લીકને રોકવા માટે 3 લાખથી 5 લાખ રૂપિયાના દંડ અને ગુનેગારને એકથી ત્રણ વર્ષની કેદ અથવા બંનેની જોગવાઈ છે, પરંતુ નવા ન્યાય સંહિતા હેઠળ આ ગુનામાં દંડ વધી શકે છે. 1 કરોડ સુધીની સજા અને દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે.
- જો કોમ્પ્યુટર આધારિત પરીક્ષા આપનારો સર્વિસ પ્રોવાઈડર ગેરરીતિમાં સંડોવાયેલો ઝડપાઈ તો 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત 4 વર્ષ સુધી પરીક્ષાઓ યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
- જો ગેરરીતિના કારણે પરીક્ષા રદ કરવામાં આવે છે, તો સમગ્ર પરીક્ષાનો ખર્ચ સેવા પ્રદાતાઓ અને દોષિત સંસ્થાઓએ ચૂકવવો પડશે.
- પ્રસ્તાવિત બિલ વિદ્યાર્થીઓને નિશાન બનાવશે નહીં, પરંતુ સંગઠિત અપરાધ, માફિયા અને મિલીભગતમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
- આ બિલમાં ઉચ્ચ સ્તરીય તકનીકી સમિતિનો પણ પ્રસ્તાવ છે, જે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે.
- ટોચની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાષ્ટ્રીય ધોરણો પણ તૈયાર કરવામાં આવશે.
પેપર ઘણી વખત લીક થયું
સૂત્રોએ જણાવ્યું હતું કે પરીક્ષાનું પેપર લીક થવું એ દેશવ્યાપી સમસ્યા બની ગઈ છે, તેથી આ પ્રકારનો પ્રથમ કેન્દ્રીય કાયદો લાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી. ગુજરાત જેવા કેટલાક રાજ્યો આ સમસ્યાનો સામનો કરવા માટે પોતાના કાયદા લાવ્યા છે. ગયા વર્ષે પરીક્ષાના પેપર લીક થયા બાદ રાજસ્થાનમાં શિક્ષક ભરતી પરીક્ષા, હરિયાણામાં ગ્રુપ-ડીની જગ્યાઓ માટેની કૉમન એલિજિબિલિટી ટેસ્ટ (CET), ગુજરાતમાં જુનિયર ક્લાર્ક માટેની ભરતી પરીક્ષા અને બિહારમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા સહિતની અન્ય પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: યુપી બજેટ 2024: કેબિનેટની બેઠક પૂર્ણ, નાણામંત્રી રજૂ કરી રહ્યા છે બજેટ