વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકાએ રાષ્ટ્રપતિ માદુરો અને તેમના પત્નીને કેદ કર્યા, ટ્રમ્પનો મોટો દાવો

- અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા પર મોટા પાયે હુમલા કર્યા છે. ત્યાર બાદ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીને કેદ કરી દેશની બહાર લઈ જવાયા છે
HD ન્યુઝ ડેસ્કઃ અમેરિકાએ વેનેઝુએલા Venezuela પર તાબડતોબ એરસ્ટ્રાઈક કરી અનેક ઠેકાણા પર હુમલા કર્યા છે. કારાકાસ સહિત ચાર મોટા શહેરો પર હુમલા બાદ વેનેઝુએલાના પ્રમુખ માદુરો President Maduroને પણ કેદ કરી લેવાયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. છેલ્લા થોડા સમયથી આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ સમાચાર સતત ચાલી રહ્યા છે. લેટિન અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું સૈન્ય અને રાજકીય ઉલટફેર જોવા મળી રહ્યું છે.
નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરાયા: ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા પર મોટા પાયે હુમલા કર્યા છે. ત્યાર બાદ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીને કેદ કરી દેશની બહાર લઈ જવાયા છે. અમેરિકન સુરક્ષાદળોએ એક વિશેષ અભિયાન હેઠળ વેનેઝુએલાના વિવાદિત રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરી લીધા છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે માદુરોને વેનેઝુએલામાં જ કોઈ સુરક્ષિત જગ્યા પર રખાયા છે કે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે.

સરકારે નેશનલ ઈમરજન્સી લાગુ કરી
વેનેઝુએલાની સરકારે અમેરિકાની સૈન્ય આક્રમકતાની ટીકા કરી છે. તેમનો આરોપ છે કે અમેરિકાએ કારાકાસ જ નહીં મીરાંડા, અરગુઆ અને લા ગુઈરામાં પણ હવાઈ હુમલા હુમલા કર્યા છે. વેનેઝુએલાના પ્રમુખ માદુરોએ દેશમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી છે.
કોલંબિયા અને ક્યુબા વેનેઝુએલાની પડખે
કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો ખૂલીને વેનેઝુએલાની પડખે આવ્યા છે. તેમણે કહ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા પર મિસાઈલથી હુમલો કર્યો છે. જેથી સંયુક્ત રાષ્ટ્રએ તાત્કાલિક બેઠક બોલાવવી જોઈએ. ક્યુબાના પ્રમુખ મિગુએલ ડિયાઝ કેનેલે પણ અમેરિકાની ટીકા કરી છે. તેમણે અન્ય દેશોને પણ અપીલ કરી છે કે તેમણે અમેરિકાની ‘ગુનાહિત’ કાર્યવાહીનો વિરોધ કરવો જોઈએ. આ લેટિન અમેરિકન ક્ષેત્ર વિરુદ્ધ એક પ્રકારનો ‘આતંકવાદ’ જ છે.
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે કયા મુદ્દે છે તણાવ?
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવાર નવાર વેનેઝુએલાના પ્રમુખ માદુરોને સીધી ધમકી આપી ચૂક્યા છે. આટલું જ નહીં બંને દેશોએ સેનાઓ પણ ઍલર્ટ મોડમાં રાખી હતી. અમેરિકાએ હાલના દિવસોમાં વેનેઝુએલાના ઓઈલના જહાજો પર પણ હુમલો કર્યો હતો. અમેરિકાનો આરોપ છે કે વેનેઝુએલા ડ્રગ્સની હેરફેરમાં સામેલ છે.
વેનેઝુએલાના ઓઈલ ભંડાર પર છે અમેરિકાની નજર : વેનેઝુએલાના પ્રમુખ
શુક્રવારે વેનેઝુએલાએ કહ્યું હતું કે ડ્રગ્સની હેરાફેરીના આરોપો મુદ્દે તેઓ અમેરિકા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વેનેઝુએલાના પ્રમુખ માદુરોએ કહ્યું હતું કે અમેરિકા યેનકેન પ્રકારેણ વેનેઝુએલામાં સત્તાપલટો કરાવવા માંગે છે. અમેરિકા વેનેઝુએલાના વિશાળ તેલ ભંડાર સુધી પહોંચવા માંગે છે. બીજી તરફ અમેરિકાનો આરોપ છે કે માદુરો અમેરિકામાં નાર્કો આતંકવાદ ફેલાવી રહ્યા છે. તેમના પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ છે. સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની સેનાએ વેનેઝુએલાના જહાજો પર હુમલા શરૂ કર્યા હતા.
આ પણ વાંચોઃ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર અમેરિકી સૈન્યનો મોટો હુમલો, ફાઇટર પ્લેનમાંથી અનેક બોમ્બ ફેંકાયા












