ગુજરાત અને હિમાચલમાં કોણ મારશે બાજી ? પ્રશાંત કિશોરનું શું છે કહેવું ?


ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ગુજરાતમાં 27 વર્ષોથી ભાજપનું રાજ છે. જ્યારે હિંમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી પર સૌની નજર છે, કારણ કે પંજાબમાં સરકારમાં આવેલી આમ આદમી પાર્ટી ઉત્સાહમાં છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આપનો ત્રિકોણીયો જંગ થવાનું માનવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે બે રાજ્યોમાં કોની સરકાર બનશે તે અંગેના સવાલો અને ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે હિમાચલપ્રદેશ અને ગુજરાતમાં ભાજપની સરકાર બનશે.
પ્રશાંત કિશોરે કહ્યું કે ગુજરાત અને હિમાચલમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થશે અને સરકાર બનશે. પ્રશાંત કિશોરે કહ્યું કે બન્ને રાજ્યમાં ભાજપની હવા ચાલી રહી છે. ગુજરાતમાં AAP ચૂંટણી લડી રહી છે. પરંતુ ભાજપને કોઈ નુકસાન નહીં થાય. જ્યારે હિમાચલમાં આપની અસર નથી. પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર કટાક્ષ કરીને કહ્યું-કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી છે, પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી છોડીને કેરળમાં ‘ભારત જોડો યાત્રા’ કરી રહ્યા છે.
ચૂંટણી રણનીતિકાર પીકેએ નીતિશ કુમાર પર વાત કરીને કહ્યું કે, નીતિશ કુમારને ખુરશીની લાલચ છે. પરંતુ હવે તેમની રાજકીય ઈનિંગ્સ સમાપ્ત થઈ રહી છે. માટે જ તેમણે સીએમ બન્યા રહેવા માટે 9 ધોરણ નાપાસને બિહારના ઉપમુખ્યમંત્રી બનાવ્યા છે.
પીકેએ કહ્યું કે ચંપારણથી બે સાંસદ છે. પરંતુ શું વિકાસ થયો છે? તેમણે સવાલ કર્યો કે, એ જાણવા છતાં કે તમારા ક્ષેત્રમાં કામ નથી થયું, તમે કઈ રીતે કોઈ એક નેતાને સતત પસંદ કરી શકો છો? તમારે વિકાસના નામે તમારે નેતાને પસંદ કરવા પડશે.
મહત્વનું છે કે ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને વિવિધ કાર્યક્રમો યોજવાના શરુ કરી દીધા છે, પરંતુ કોંગ્રેસ હજુ પણ આ રેસમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે.