ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પાકિસ્તાની સંસદમાં ભારતીય ચૂંટણી પ્રક્રિયાના વખાણ! સાંસદે કહ્યું: શું આપણા દેશમાં પણ આવું થશે?

  • ભારતીય ચૂંટણીમાં કોઈ ધાંધલી થઈ નથી, તમામ પક્ષોએ માન્યું કે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ થઈ છે: સાંસદ

ઇસ્લામાબાદ, 14 જૂન: ઈમરાન ખાનની પાર્ટીના સાંસદ શિબલી ફરાઝે પાકિસ્તાની સંસદમાં ભારતમાં યોજાયેલી ચૂંટણીની પ્રશંસા કરી છે. તેમણે બુધવારે સંસદમાં કહ્યું હતું કે, બધા જાણે છે કે પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં ધાંધલી થઈ છે. આપણા પાડોશી દેશમાં પણ ચૂંટણી યોજાઈ હતી, પરંતુ આજે કોઈ કહી શકતું નથી કે તેમાં હેરાફેરી થઈ છે. ભારતમાં 80 કરોડ લોકોએ મતદાન કર્યું છે. મતદાન માટે ત્યાં લાખો મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. માત્ર એક વ્યક્તિ માટે પણ મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. ભારતમાં સમગ્ર ચૂંટણી EVMનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી હતી, જે એક મહિનાથી વધુ સમય સુધી ચાલી હતી.

 

શિબલી ફરાઝે તેમની સરકારને પૂછ્યું કે, “શું ભારતની ચૂંટણીના પરિણામો અંગે હજુ સુધી એક પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે? ત્યાંના તમામ પક્ષોએ માન્યું કે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થઈ છે.” તેમણે સંસદમાં સવાલ ઉઠાવ્યો હતો કે, શું પાકિસ્તાનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની હેરાફેરી વગર ચૂંટણી યોજાઈ શકે છે?

લોકોને પણ પાકિસ્તાનમાં ન્યાય જોઈએ છે: સાંસદ 

શિબલી ફરાઝે સંસદના અધ્યક્ષ સરદાર સાદિકને કહ્યું કે, અમે પણ પાકિસ્તાનમાં નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છીએ છીએ. જ્યારે અહીં ચૂંટણીઓ યોજાય છે, ત્યારે ન તો હારનાર પક્ષ અને ન તો જીતનાર પક્ષ તેના પરિણામો સ્વીકારે છે. આ પ્રકારની બાબતોએ આપણી રાજકીય વ્યવસ્થાને સંપૂર્ણ રીતે પોકળ બનાવી દીધી છે. આપણે પણ ભારતની જેમ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કેમ ન કરાવી શકીએ. પરંતુ બધા જાણે છે કે, આ દેશના મોટા ભાગના રાજકીય પક્ષો આવું થવા દેશે નહીં.

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ પણ ભારતના કર્યા વખાણ

આ પહેલા પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ પણ ભારતના વખાણ કર્યા હતા. અહેવાલો અનુસાર, નકવીએ કહ્યું હતું કે, આજે ભારત ત્યાંના ઉદ્યોગપતિઓને કારણે વિકાસ કરી રહ્યું છે. ભારતમાં ઉદ્યોગપતિનું સન્માન થાય છે. જ્યારે પાકિસ્તાનમાં જો કોઈ વેપારી આગળ વધે તો તેને ચોર કહેવામાં આવે છે.

હકીકતમાં, મોહસીન નકવી તાજેતરમાં જાહેર થયેલા દુબઈ લીક્સ રિપોર્ટ વિશે વાત કરી રહ્યા હતા. આ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના 17 હજાર નાગરિકો દુબઈમાં 23 હજારથી વધુ સંપત્તિના માલિક છે. તેમની કુલ કિંમત 91 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. પાકિસ્તાની રાજનેતાઓ, મંત્રીઓ અને સેનાના અધિકારીઓની સાથે મોહસીન નકવીની પત્નીનું નામ પણ આ યાદીમાં સામેલ છે.

આ પણ જુઓ: G7 પહેલા ઈટાલિયન સંસદમાં મારપીટ સાથે ઉગ્ર લડાઈ શા માટે થઈ? જુઓ વીડિયો

Back to top button