રશ્મિકા મંદાના ડીપ ફેક કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી, મુખ્ય આરોપી ફરાર
- રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તેના આરોપીને શોધી રહી હતી. હવે તાજેતરમાં સમાચાર સામે આવ્યા છે કે પોલીસે ચાર શકમંદોને શોધી કાઢ્યા છે.
દિલ્હી, 20 ડિસેમ્બર: થોડા સમય પહેલા રશ્મિકા મંદાનાનો એક મોર્ફેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાતી યુવતીના ચહેરાને બદલે આરોપીઓએ એડિટિંગ દરમિયાન રશ્મિકાનો ચહેરો કરી નાખ્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો. સમગ્ર વીડિયોમાં AIની ડીપફેક ટેક્નોલોજીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલો એટલો વધી ગયો હતો કે પોલીસને પણ તેનો ભાગ બનવું પડ્યું હતું. પોલીસ દ્વારા રશ્મિકાના વાયરલ વીડિયોની સતત તપાસ કરવામાં આવી રહી છે, આ દરમિયાન રશ્મિકા મંદાનાના ડીપફેક વાયરલ વીડિયોને લઈને એક અપડેટ સામે આવ્યું છે.
રશ્મિકા ડીપ ફેક કેસમાં 4 આરોપીઓની ધરપકડ
દિલ્હી પોલીસે રશ્મિકાના ડીપ ફેક વીડિયો કેસમાં ચાર શકમંદોને શોધી કાઢ્યા છે. પોલીસ આ ચારેયની પૂછપરછ કરી રહી છે. પૂછપરછમાં પ્રકાસમાં આવ્યુ છે કે આ ચારેય દ્વારા વીડિયો અપલોડ તેમજ વાયરલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ડીપ ફેક વીડિયો બનાવનાર હજી સુધી ફરાર છે. તાજેતરમાં, આ બાબતે ટ્વિટ કરતી વખતે, ANI એ લખ્યું છે કે પોલીસનું કહેવું છે કે તેઓએ અભિનેત્રી રશ્મિકા મંદાનાની ડીપ ફેક પ્રોફાઇલના કેસમાં સંડોવાયેલા ચાર શંકાસ્પદોને શોધી કાઢ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો મેકર્સ નહીં પરંતુ અપલોડ કરનારા છે. પોલીસ મુખ્ય આરોપીની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો: રશ્મિકા મંદાનાનો “ડીપફેક” વીડિયો વાયરલઃ બોલિવૂડથી લઈ સરકાર સુધી બધાએ ચિંતા વ્યક્ત કરી
શું છે ડીપફેક?
ડીપફેક એ એક પ્રકારનું સિન્થેટીક મીડિયા જેમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ છે. જેમાં હાલના ફોટા અથવા વીડિયોમાંથી વ્યક્તિ અન્ય કોઈના ફોટો લગાવીને બદલી શકે છે. AIની ક્ષમતાને કારણે સામાન્ય નાગરિક માટે ફેક વીડિયોને ઓળખવાનું મુશ્કેલ બની જાય છે. ટેક્નોલોજીના દુરુપયોગની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને એક એડવાઈઝરી જારી કરી છે.
આ પણ વાંચો: રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો બાદ IT મંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી