ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો બાદ IT મંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી

નવી દિલ્હી: એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ના 66D સહિત હાલના નિયમોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે આવાં કૃત્ય કરનારને ત્રણ વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

એડવાઈઝરીમાં જણાવ્યા મુજબ, IT મધ્યસ્થી નિયમ 3(1)(b)(vii) હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ નિયમો અને ગોપનીયતા નીતિનું પાલન કરવું પડશે. સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સને વાંધાજનક કન્ટેન્ટને પોસ્ટ કરતા રોકવા પડશે. નિયમ 3(2)(b) મુજબ, ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર કોઈપણ કન્ટેન્ટને તેના પ્લેટફોર્મ પરથી દૂર કરવું પડશે.

6 નવેમ્બરે ડીપફેકનો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે સાઉથની સુપરહિટ અભિનેત્રી રશ્મિકા મંદાનાના એક ફેક વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયો હતો. ખરેખર તો આ વીડિયો સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ઝારા પટેલનો છે, જેમાં અભિનેત્રી રશ્મિકાના ચહેરા સાથે સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો હતો, જેના પછી રશ્મિકાએ પ્રતિક્રિયા આપવી પડી હતી.

આ ઉપરાંત, વીડિયો શેર કરીને અમિતાભ બચ્ચને કાયદાકીય કાર્યવાહીની માગ કરી અને અભિનેત્રીના સપોર્ટમાં આવ્યા. બીગ બી ની સાથે એક્ટ્રેસ મૃણાલ ઠાકુર અને સાઉથના અભિનેતા નાગા ચૈતન્ય તેમજ ફેન્સે પણ તેને ઘણો સપોર્ટ આપ્યો. એટલું જ નહીં,  સરકારે પણ સ્પષ્ટતા કરવી પડી હતી. સરકાર વતી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે  ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ, ટેક્નોલોજીના દુરુપયોગની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને એક એડવાઈઝરી જારી કરી છે.

આ પણ વાંચો: રશ્મિકા મંદાનાનો “ડીપફેક” વીડિયો વાયરલઃ બોલિવૂડથી લઈ સરકાર સુધી બધાએ ચિંતા વ્યક્ત કરી

Back to top button