‘કાશ્મીર છોડો, સબસિડી તમારા મોઢા પર મારીશું…’, PoKમાં પાકિસ્તાન સામે ખુલ્લો બળવો, ભારત સાથે વેપાર શરૂ કરવાની જોરદાર માંગ

Pok protest: PoK માં વીજળીના બિલ, ઘઉંના ભાવ અને આર્થિક સંકટ સામે શરૂ થયેલું જનઆંદોલન હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. જે આંદોલન એક સમયે માત્ર સબસિડી, મોંઘવારી અને વહીવટી નીતિઓના વિરોધ પૂરતું સીમિત હતું, તે હવે પાકિસ્તાનની હકૂમત, તેના વહીવટી નિયંત્રણ અને પાકિસ્તાની સૈન્ય (Army) ના અસ્તિત્વ સામે સીધા સવાલો ઉઠાવવા લાગ્યું છે.
PoKના રાવાલાકોટમાં આયોજિત એક વિશાળ સભામાં જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) અને અવામી એક્શન કમિટીના નેતાઓએ પાકિસ્તાન સરકાર વિરૂદ્ધ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. આ દરમિયાન આંદોલનકારી નેતા સરદાર અમન કાશ્મીરીએ ઇસ્લામાબાદ અને પાકિસ્તાની સૈન્ય વહેવાર પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો બોલ્યો છે.
‘તમે અહીંથી બહાર નીકળો…’ – નેતા સરદાર અમનનો આક્રોશ
સભાને સંબોધિત કરતી વખતે સરદાર અમન કાશ્મીરીએ પાકિસ્તાન સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક મદદ અને સબસિડીને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી અને પાકિસ્તાનને આ વિસ્તાર છોડી દેવાની ખુલ્લી ચેતવણી આપી દીધી હતી.
સરદાર અમન કાશ્મીરીએ સ્ટેજ પરથી કહ્યું: “અમે તમારી સબસિડી તમારા મોઢા પર મારીએ છીએ. તમે અમારા રાજ્યમાંથી બહાર નીકળો. આ રાજ્યની તમામ સમસ્યાઓ અને વહીવટ અમને સોંપી દો. પછી અમે જાણીએ અને હિન્દુસ્તાન જાણે, અમે જાણીએ અને જમ્મુ-કાશ્મીર જાણે. આ અમારો મુદ્દો છે, અમારો દેશ છે. અમારું કામ અમે જાતે જોઈ લઈશું, અહીં તમારું શું કામ છે?”
તેમનું આ નિવેદન પાકિસ્તાનના વહીવટી નિયંત્રણ અને સૈન્ય હાજરીને સીધો અને ખુલ્લો પડકાર માનવામાં આવી રહ્યું છે.
મોંઘવારીના વિરોધથી શરૂ થયેલું આંદોલન હવે ‘બળવો’ બન્યું
PoKમાં સર્જાયેલી આ અશાંતિના મૂળ વર્ષ 2024 અને 2025માં થયેલા ઉગ્ર પ્રદર્શનો સાથે જોડાયેલા છે. શરૂઆતમાં સ્થાનિક લોકો વીજળીના આસમાને પહોંચેલા ભાવ, ખાદ્યપદાર્થોની અછત અને ઇસ્લામાબાદની ભેદભાવપૂર્ણ આર્થિક નીતિઓ વિરૂદ્ધ રસ્તા પર ઉતર્યા હતા. જનતાના ભારે વિરોધને કારણે પાકિસ્તાન સરકારે ઘઉં પર સબસિડી અને વીજળીના દરોમાં કામચલાઉ રાહત આપવી પડી હતી.
જો કે, આંદોલનકારી નેતાઓનું કહેવું છે કે આ રાહત માત્ર કામચલાઉ અને આંખમાં ધૂળ નાખવા બરાબર છે. આનાથી તેમના રાજકીય પ્રતિનિધિત્વ, સ્થાનિક સંસાધનો પર નિયંત્રણ અને આર્થિક અધિકારો જેવા મૂળભૂત પ્રશ્નોનો કોઈ ઉકેલ આવતો નથી. આ જ કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં આ આંદોલનનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને તે પાકિસ્તાનથી મુક્તિ મેળવવાના આંદોલનમાં ફેરવાઈ ગયું છે.
‘રાશન રોકશો તો ભારત સાથે વેપારના રસ્તા ખોલી દઈશું’
રાવાલાકોટની સભામાં બોલતા સરદાર અમન કાશ્મીરીએ પાકિસ્તાની સૈન્ય સંસ્થાઓ પર આરોપ લગાવ્યો કે તેઓ આર્થિક દબાણ લાવીને આ લોકઆંદોલનને નબળું પાડવા માંગે છે.
તેમણે દાવો કર્યો કે, “પાકિસ્તાન અમારું રાશન રોકી રહ્યું છે, પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે અમારી પાસે વેપાર માટેના અન્ય રસ્તાઓ પણ છે, અમે તે ખોલી દઈશું.”
સ્થાનિક લોકોને આર્થિક રીતે દબાવવાના પ્રયાસો સામે હવે લોકો વૈકલ્પિક માર્ગો શોધવા તૈયાર છે. તેમના મતે, વેપારના રસ્તાઓ ભલે પાકિસ્તાન દ્વારા ખુલે કે ભારત દ્વારા, સ્થાનિક લોકોને આર્થિક આઝાદી અને તકો મળવી જ જોઈએ.
આ ઉપરાંત, તેમણે પાકિસ્તાની સેનાની એ દલીલને પણ ફગાવી દીધી જેમાં તેઓ સરહદ પર પોતાની હાજરીને યોગ્ય ઠેરવે છે. સરદાર અમને સ્પષ્ટ કહ્યું કે,
“ભારત સામે બચાવ કરવો એ અમારો મુદ્દો છે, તમારો નહીં.”
તેમણે પાકિસ્તાન પર PoKના કુદરતી સંસાધનોનું આડેધડ દોહન કરવાનો અને બદલામાં સ્થાનિકોને કશું જ ન આપવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.
નિષ્ણાતોના મતે, આ નિવેદનો વૈશ્વિક સ્તરે પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે આ અવાજો કાશ્મીરને લઈને પાકિસ્તાનના દાયકાઓ જૂના પ્રોપોગેન્ડા અને રાજકીય નેરેટિવને સખત પડકાર આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ કંપનીએ અચાનક નોકરીમાંથી કાઢ્યા છે? તો આ સરકારી એપ આવી શકે છે કામ
આ પણ વાંચોઃ ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ અંગે હાઇકોર્ટની લાલ આંખ, જવાબ આપવો પડશે
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












