PM મોદીનો યુવાનોને સંદેશ; બાળકોને માફ કરો ભૂલોમાંથી શીખીને આગળ વધો

PM Modi’s message to youth: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો શેર કરીને દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. વીડિયોમાં તેમણે તાજેતરના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બાળપણમાં ભૂલો થતી હોય છે અને આવી ભૂલો માટે બાળકોને કોર્ટના ચક્કર ખવડાવવા કરતાં તેમને યોગ્ય માર્ગદર્શન આપવું વધુ જરૂરી છે.
પીએમ મોદીએ પોતાના મેસેજમાં કહ્યું કે વિરોધ દરમિયાન કેટલાક યુવાનો દ્વારા અયોગ્ય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમની સાથે સાથે તેમના સ્વર્ગસ્થ માતા વિશે પણ અશોભનીય ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેમ છતાં, તેમણે કહ્યું કે તેઓ ગુસ્સો રાખવા કરતાં યુવાનોને સમજાવવાનો અને સાચો માર્ગ બતાવવાનો પ્રયાસ કરશે.
View this post on Instagram
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમાજમાં ઉભા થયેલા આક્રોશને તેઓ સમજે છે, પરંતુ યુવાઓને સજા આપવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. તેમના અનુસાર, ભટકેલા યુવાનોને સાચી દિશા બતાવવી એ સમાજ અને દેશની સંયુક્ત જવાબદારી છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં એક ઉદાહરણ આપતાં કહ્યું કે જેમ ક્યારેક દાંત નીચે જીભ આવી જાય તો આપણે દાંત નથી તોડતા, કારણ કે બંને આપણા જ હોય છે, તેવી જ રીતે દેશના બાળકો પણ આપણા જ છે. તેથી તેમને સ્વીકારીને તેમની ભૂલોમાંથી શીખવાની તક આપવી જોઈએ.
તેમણે યુવાનોને દેશના વિકાસમાં સકારાત્મક રીતે જોડાવા અપીલ કરી અને કહ્યું કે ભૂલોમાંથી શીખીને પોતાના સપનાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતનો વિકાસ યુવાનોની શક્તિથી વધુ ઝડપથી આગળ વધશે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પણ પ્રધાનમંત્રીએ એક વીડિયો જાહેર કરીને દેશની પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે સંસદ દ્વારા પસાર કરાયેલા નવા કાયદા અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો : કાવેરી જળ વિવાદની અસર મનોરંજન જગત પર: કર્ણાટક અને બેંગલુરુમાં થલપતિ વિજયની ફિલ્મ ‘જન નાયગન’ ના શો રદ












