PM મોદીની કોંગ્રેસ નેતાઓને સલાહ, કહ્યું- પહેલા ભારતને એક કરનાર મહાપુરુષ સાથે જોડાઓ
PM મોદીએ કોંગ્રેસના નેતાઓને સલાહ આપી કે તેઓ પહેલા ભારતને એક કરનાર વ્યક્તિ સાથે જોડાઈ જાય. પીએમ મોદીએ કોંગ્રેસ પર એવા સમયે પ્રહારો કર્યા છે જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને અન્ય નેતાઓ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે.
આ પણ વાંચો: મોરબી દુર્ઘટનાની જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી રાજીનામું આપે : કોંગ્રેસ નેતા
આ સમગ્ર મામલો :
ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોતની સરકારે સોમવારે સરદાર પટેલની જન્મજયંતિ પર અખબારોમાં જાહેરાતો આપી હતી. આ જાહેરાતોમાં સરદાર પટેલની તસવીર ગાયબ હતી. પીએમ મોદીએ કોંગ્રેસની આ ભૂલ પર નિશાન સાધ્યું અને તેના નેતાઓને સલાહ આપી કે પહેલા ભારતને એક કરનાર વ્યક્તિ એટલે કે સરદાર પટેલ સાથે જોડાઓ.
જાહેરાતો પર સરદાર પટેલની તસવીર ન હતી
પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાન સરકારે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે બે અખબારોમાં આખા પાનાની જાહેરાતો આપી હતી. જાહેરાતોમાં સરદાર પટેલની એક નાની તસવીર પણ નથી. સરદાર વલ્લભભાઈ પટેલ દેશના મોટા નેતા અને તમારી (કોંગ્રેસ) જવાહરલાલ નેહરુ સરકારમાં નાયબ વડાપ્રધાન હતા. વડાપ્રધાન બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રેલીને સંબોધી રહ્યા હતા. તેમણે અહીં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કર્યું હતું.
ભારત જોડો યાત્રાને આડે હાથ લીધી
આડકતરી રીતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ દેશને એક કરવા માંગે છે. તેમણે સૌપ્રથમ પોતાની જાતને સરદાર પટેલ સાથે જોડવી જોઈએ, જેમણે દેશને એક કર્યો. આ કેવું અપમાન છે! ગુજરાતની જનતા આ અપમાન સહન નહીં કરે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, રાજસ્થાન સરકારે સોમવારે ગુજરાતના દૈનિક અખબારોમાં જાહેરાતો આપીને કોંગ્રેસ શાસિત રાજ્યમાં પોતાની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો: મોરબીની ગોઝારી દુર્ઘટનામાં આધુનિક ટેક્નોલોજી મદદરૂપ બની
ગેહલોતને વિરોધી સ્ટેન્ડની યાદ અપાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુજલામ સુફલામ જળ નહેર પ્રોજેક્ટનો વિરોધ કરવા બદલ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોત પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ગેહલોત જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી પણ હતા, તેમણે મને સુજલામ સુફલામ પ્રોજેક્ટનો વિરોધ કરતો પત્ર લખ્યો હતો. મેં ગેહલોતને કહ્યું હતું કે તમારે જે કરવું હોય તે કરો, પરંતુ હું (નહેર) પ્રોજેક્ટ સાથે આગળ વધીશ કારણ કે તેનાથી ઉત્તર ગુજરાતના લોકોને ઘણો ફાયદો થશે.