ટ્રેન્ડિંગનેશનલ

ગાઝા શાંતિ સંમેલન માટે PM મોદીને આમંત્રણ, ટ્રમ્પ અને સીસીની અધ્યક્ષતામાં થશે બેઠક

નવી દિલ્હીઃ 12 ઓક્ટોબરઃ Gaza Peace Deal: મધ્ય પૂર્વમાં ગાઝા સંઘર્ષ પર લાંબા સમયથી ચાલી રહેલી શાંતિ પ્રક્રિયાના ભાગરૂપે, ઇજિપ્તના પ્રમુખ ફરાહ અલ સિસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિ સમજૂતી પર હસ્તાક્ષરના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે. આ શાંતિ શિખર સંમેલન ઇજિપ્તના જાણીતા રિસોર્ટ શહેર શર્મ અલ શેખમાં યોજાઈ રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય બેઠકો માટે જાણીતું છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના લગભગ 20 જેટલા નેતાઓ આ સમારોહમાં ભાગ લેવાના છે. જોકે, વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઇજિપ્ત જશે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી. હાલમાં, ભારત તરફથી વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઇજિપ્ત જશે તેવું પહેલાથી જ નક્કી છે.

શાંતિ પ્રક્રિયામાં ભારતની ભૂમિકા

ભારતે હંમેશા શાંતિ અને સંયમનું સમર્થન કર્યું છે. ભારત ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને સાથે સારા સંબંધો રાખે છે, જેના કારણે ભારતનું આ શાંતિ પ્રક્રિયામાં ભાગ લેવો મહત્ત્વનો છે.

ગાઝા શાંતિ કરાર શું છે?

ગાઝામાં લાંબા સમયથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હજારો લોકોના મોત થયા છે અને ભારે વિનાશ થયો છે. હવે બંને પક્ષો વચ્ચે શાંતિ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર થવાના છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માટે 20 સૂત્રીય યોજના રજૂ કરી છે. જેમાં મુખ્યત્વે યુદ્ધવિરામ, સેના પાછી ખેંચવી, બંધકોની મુક્તિ અને ગાઝામાં લાંબા સમય સુધી સ્થાયી શાંતિ જાળવી રાખવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

હમાસ અને ઇઝરાયલની સ્થિતિ

  • હમાસનો ઇનકાર: હમાસે આ પ્લાનને માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હમાસના નેતાઓએ તેને ‘હાસ્યાસ્પદ’ ગણાવ્યો છે. હમાસનું કહેવું છે કે, તે પોતાના હથિયાર હેઠા નહીં મૂકે અને ન તો ગાઝા છોડીને જશે. હમાસને લાગે છે કે, આ કરાર તેના માટે નુકસાનકારક છે.
  • ઇઝરાયલની શરત: ઇઝરાયલના પ્રમુખ નેતન્યાહૂ પણ આ કરારને લઈને સંપૂર્ણપણે આશ્વસ્ત નથી. તેમની પણ અમુક શરતો છે અને તે ઇચ્છે છે કે, હમાસ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય બની જાય.

ટ્રમ્પની આશા

ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે, આ પ્લાન મધ્ય પૂર્વમાં સ્થાયી શાંતિ સ્થાપવાની સૌથી સારી રીત છે. પરંતુ, હજી અનેક રાજકીય અને સુરક્ષાની સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવાનો બાકી છે.

આ પણ વાંચોઃ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર દુર્ઘટનાઃ નાસભાગમાં અનેક ઈજાગ્રસ્ત

આ પણ વાંચોઃ નોકરી આધારિત ગ્રીનકાર્ડ માટેની શરતો બદલાવાની શક્યતા, ટ્રમ્પ સરકાર લાવી શકે છે નવા નિયમ

Back to top button