ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ ન કરી શકાય’, શ્રીલંકાને કચ્છથીવુ ટાપુ સોંપતા PM મોદીએ કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હી, 31 માર્ચ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શ્રીલંકાને કચ્છથીવુ ટાપુ સોંપવાના નિર્ણય પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને પક્ષ પર દેશની અખંડિતતા અને હિતોને ‘કમજોર’ કરવાના આરોપ લગાવ્યા. પીએમ મોદીની આ પ્રતિક્રિયા માહિતી અધિકાર (RTI) રિપોર્ટ પછી આવી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે 1974માં શ્રીલંકાને કચ્છથીવુ ટાપુ સોંપ્યો હતો. RTI રિપોર્ટને ‘ચોંકાવનારો’ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે લોકો આ પગલાથી ‘નારાજ’ છે અને ‘કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં.’

પીએમ મોદીએ પોસ્ટ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા

પીએમ મોદીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તે આંખ ખોલનારી અને આઘાતજનક છે! નવા તથ્યો જણાવે છે કે કેવી રીતે કોંગ્રેસે ક્રૂરતાપૂર્વક કાચાથીવુને શ્રીલંકાને સોંપ્યું. દરેક ભારતીય આનાથી નારાજ છે અને લોકોના મનમાં એ વાત ફરી આવી ગઈ છે કે આપણે કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકીએ નહીં! કોંગ્રેસ પાસે છેલ્લા 75 વર્ષથી કામ કરવાનો એક જ રસ્તો હતો – દેશની એકતા, અખંડિતતા અને ભારતના હિતોને નબળા પાડવા.

RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

કચ્છથીવુ ટાપુ એ છે જ્યાં તમિલનાડુના રામેશ્વરમ જેવા જિલ્લાના માછીમારો જાય છે કારણ કે ભારતીય જળસીમામાં માછલીઓ ખતમ થઈ ગઈ છે. માછીમારો ટાપુ પર પહોંચવા માટે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) ઓળંગે છે. જેના પરિણામે શ્રીલંકાની નૌકાદળ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે. મહત્ત્વનું છે કે, આ રિપોર્ટ તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈ દ્વારા 1974માં પાલક સ્ટ્રેટનો વિસ્તાર પાડોશી દેશ શ્રીલંકાને સોંપવાના તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારના નિર્ણય પર મળેલા RTI જવાબ પર આધારિત છે. રિપોર્ટમાં આ મુદ્દે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ટાપુ ક્યાં છે?

કચ્છથીવુ ટાપુ હિંદ મહાસાગરમાં ભારતના દક્ષિણ છેડે આવેલો છે. તે ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે આવેલું છે. આ ટાપુ 285 એકરમાં ફેલાયેલો છે. આ ટાપુ 17મી સદીમાં મદુરાઈના રાજા રામાનંદના નિયંત્રણમાં હતો. બ્રિટિશ શાસન દરમિયાન આ ટાપુ મદ્રાસ પ્રેસિડેન્સી હેઠળ આવ્યો હતો. વર્ષ 1921માં ભારત અને શ્રીલંકા બંનેએ માછીમારી માટે આ જગ્યા પર દાવો કર્યો હતો. પરંતુ આ પછી તેના વિશે કંઈ ખાસ બન્યું નહીં. આઝાદી પછી, 1974-76 વચ્ચે દરિયાઈ સીમાઓ અંગે ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ભારતીય માછીમારોને ટાપુ પર આરામ કરવા અને તેમની જાળ સૂકવવાની છૂટ આપવામાં આવી હતી.

આ ટાપુ શ્રીલંકાને શા માટે આપવામાં આવ્યો?

વર્ષ 1974માં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો બંદરનાઈકેએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત કચ્છથીવુ ટાપુ શ્રીલંકાને સોંપવામાં આવ્યો હતો. આ માટે બંને દેશો વચ્ચે 26 જૂને કોલંબોમાં અને 28 જૂને દિલ્હીમાં વાતચીત થઈ હતી. આ પછી કેટલીક શરતો સાથે આ ટાપુ શ્રીલંકાને સોંપવામાં આવ્યો હતો. આમાં એક શરત એ હતી કે ભારતીય માછીમારો તેમની જાળ સૂકવવા માટે આ ટાપુનો ઉપયોગ કરશે. આ સાથે ભારતીયોને આ ટાપુ પર બનેલા ચર્ચમાં વિઝા વગર જવાની પરવાનગી આપવામાં આવશે. જોકે, ભારતીય માછીમારો આ ટાપુ પર માછીમારી કરી શકતા નથી.

ટાપુ સોંપતા તમિલનાડુમાં ભારે વિરોધ થયો હતો

ભલે આ ટાપુ શ્રીલંકાને સોંપવામાં આવ્યો. પરંતુ તમિલનાડુમાં તેનો જોરદાર વિરોધ થયો હતો. તે સમયે તમિલનાડુના મુખ્યમંત્રી કરુણાનિધિએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. 1991માં તમિલનાડુ એસેમ્બલીમાં આની વિરુદ્ધ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને આ ટાપુને પરત લેવાની માંગ કરાઈ હતી. આ પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો.2008માં તત્કાલિન સીએમ જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં માંગ કરાઈ હતી કે કાચાથીવુ ટાપુ અંગેના કરારને અમાન્ય જાહેર કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીલંકાને આ ટાપુ ભેટમાં આપવું ગેરબંધારણીય છે. આ મુદ્દાને લઈને તમિલનાડુનું રાજકારણ હંમેશા ગરમાયું છે. 2011માં જ્યારે જયલલિતા ફરી એકવાર તમિલનાડુના સીએમ બન્યા ત્યારે તેમણે આ અંગે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો.

આ પણ વાંચો: PM મોદી અને બિલ ગેટ્સ વચ્ચે ‘AIથી ડિજિટલ પેમેન્ટ્સ’ થીમ પર થઈ વાતચીત, જુઓ વીડિયો

Back to top button