ભારતીય ભૂમિને પ્રદૂષિત કરનાર વનસ્પતિઓ-1: કોનોકાર્પસથી સાવધાન

પડોશી દેશ પાકિસ્તાને પોતાની વરસાદની અછત દૂર કરવા તેના વનખાતા દ્વારા 220 લાખ વૃક્ષો વાવ્યા. આજે સમાચાર આવે છે – કોનોકાર્પસ ડીઝાસ્ટર ઈન કરાંચી.
Beware of Conocarpus મૂળ ઉત્તર અમેરિકા – ફ્લોરિડા, મેક્સિકો, હોન્ડુરાઝ, બહામા, જમૈકા, પશ્ચિમ આફ્રિકાનું વતની છે. આ વૃક્ષો સ્વત: અહીંથી આગળ પ્રસર્યા નહોતાં. ઇરાનમાં તે સિકેમોરે ટ્રી, વ્હાઇટ બટનવૂડ મેનગ્રોવ તરીકે ઓળખાય છે. ઈરાન વિશ્વવિદ્યાલયના એક શોધપત્ર પ્રમાણે કોનોકાર્પસના પાન, છાલ, ડાળી, ફળમાં એન્ટીડાયાબીટીક (મધુમેહ વિરોધી), એન્ટીકેન્સર (કેન્સર વિરોધી), એન્ટીમાઇક્રોબીયલ (સૂક્ષ્મજીવથી થનારા વ્યાધિ પ્રતિબંધક), એન્ટીઓક્સિડન્ટ (શરીરમાં કોષોમાં વૃદ્ધાવસ્થાજન્ય ફેરફાર પ્રતિબંધક) ગુણો છે. તેનો કન્જકટીવાઈટિસ (આંખ ઊઠવી), ગોનોરરીયા (એક ગુપ્તરોગ)માં ઉપયોગ છે. તે કુદરતી રીતે હવા, પાણી, માટી શોધક છે. ધાતુ પ્રદૂષણ અને ઝેરી રસાયણો દૂર કરે છે. તેના બીજા ગુણોમાં, તે સીધા સૂર્યમાં, 52o તાપમાનમાં, ઓછું કે મધ્યમ જળ પ્રાપ્તિની સ્થિતિમાં, ચોખ્ખા પાણીના અભાવમાં તે ગટરના કે ઇન્ડસ્ટ્રિયલ પ્રદૂષિત પાણીમાં પણ ઊગીને વિકસવાની ક્ષમતા ધરાવે છે. દરિયાકાંઠે રેતીમાં, ખારા પાણી અને ખારાશવાળી હવામાં તે વધી શકતું હોવાથી રેતીના વિસ્તારને વધતો અટકાવનાર નિવડે છે. તે છોડ અને ઝાડ સ્વરૂપે બહુ ડાળીઓ ધરાવતી વનસ્પતિ છે. સદા હરિત રહેતા તેના સુંદર ચળકાટ ધરાવતા પાન વૃક્ષને સુંદરતા આપે છે. તેને માનવને ગમે તેવો આકાર આપવા કાપીને બોનસાઈ બનાવાય છે.
આ પણ વાંચોઃ 6 જુલાઈથી શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થશે, વ્રત અને તહેવારોનો પ્રારંભ
Plants polluting Indian soil આવું બધું વાંચીને લગભગ 10 વર્ષ પૂર્વ આપણા ગુજરાતમાં કોનોકાર્પસનું મોટા પાયે વાવેતર કરાયું. મફતના ભાવે કહી શકાય એવા આ છોડ વગર માવજતે બે વર્ષમાં 20 થી 30 ફૂટ ઊંચા વધે છે એ જોઈ તેમને આડશ કે વાડની જેમ વાવવાનું શરૂ કરાયું. આકર્ષક લીલી દિવાલ બધાને ગમી ગઈ. ઉપરાંત તે પ્રાણવાયુ આપે, કાર્બન ક્રેડિટ મફતમાં જાળવે તેથી વનમહોત્સવ અને મિલિયન ટ્રી પ્રોજેક્ટમાં સ્થાન પામ્યા.
કોનોકાર્પસ ઉપર ઓળઘોળ થઈ ગયેલા આપણે એ ન જોયું કે તેના ઉપર પક્ષી કે મધમાખી નથી બેસતાં. 29 જુલાઇ 2020 માં પૂણેના વનસ્પતિ શાસ્ત્રજ્ઞ (બોટનિસ્ટ) શ્રીમાન શિલાદિત્ય પંડિતે એક મીડિયાને જણાવ્યું હતું અને તે જ બાબત શ્રીમાન ઈન્ગાલ્હાલીકરજી અને આપણે વડોદરા, રાજકોટ, અમદાવાદ ખાતે અનુભવ્યું. આ વૃક્ષ પોતે ફેલાવવાનો સ્વભાવ ધરાવે છે એટલે આપણી પોતાની સ્થાનિક વનસ્પતિઓને ઊગવા અનુકૂળતા અને જગ્યા નથી મળતી. કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડા જઈ કેબલ, ગટર અને પાણીની નલિકાઓને અવરોધે તથા તોડે છે. કોનોકાર્પસ જ્યાં ઊગ્યું હોય ત્યાંનાં ભૂજળ સ્તરને નુકસાનકારક રીતે ઘટાડે છે. કોનોકાર્પસ મજબૂત વૃક્ષ હોઈ આસપાસ રહેલાં મકાનોને નુકસાન પહોંચાડે છે. સમસ્યા એ પણ છે કે તેને જલ્દી કાપીને દૂર નથી કરી શકતું. તેને વર્ષમાં બે વાર ફૂલ આવે છે. તે સમયે પરાગરજથી લોકોને એલર્જી, શરદી, ઉધરસ, શ્વાસ રોગ (અસ્થમા) થયાના કિસ્સા બન્યા છે. ઝાડને માપમાં રાખવા અવારનવાર કાપવું પડે અને એ માટે ખર્ચો મોટો આવે છે. આ પાસાઓ, નિષ્ણાતોના અભિપ્રાયો તથા લોકલાગણીને ધ્યાને લઈ 26 સપ્ટેમ્બર 2023ના રોજ સરકારી હુકમથી ગુજરાતમાં કોનોકાર્પસ વાવવા ઉપર પ્રતિબંધ લગવાયો છે.
કોનોકાર્પસની આવેજી ખરી? આપણા પોતાના મૂળ ભારતીય અને જીવ માત્રને ઉપયોગી નીવડેલાં આપણા પરમ મિત્ર એવા કડવો લીમડો, કદંબ, બોરસલી, ઉમરડો, જીયાપોતા, વડ, પીપળો, પારસ પીપળો, જાંબુ, અરીઠી, અશોક, કણજી માટે જરૂર વિચારીએ. ટુંકમાં કોઈ મફતમાં આપે તો પણ કોનોકાર્પસને આ ચોમાસે નહિ વાવીએ. (સંકલનકર્તા: પ્રો. વૈદ્ય પારુલ જોષી)
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>












