છોડના પાંદડા પીળા પડી ગયા? અપનાવો સરળ ઓર્ગેનિક ઘરગથ્થુ ઉપાયો અને જુઓ જાદુ

Plant Disease Remedies: ઘરમાં લગાવેલા લીલાછમ છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા, પરંતુ મનને પણ અદભુત શાંતિ આપે છે. દરેક બાગકામ (Gardening) ના શોખીનની એવી જ ઈચ્છા હોય છે કે તેના છોડ હંમેશા તાજા, લીલા અને ફૂલો-ફળોથી ભરેલા રહે. પરંતુ ઘણીવાર એવું બને છે કે સારી સંભાળ, સમયસર પાણી અને ખાતર આપવા છતાં પણ છોડ અચાનક બગડવા લાગે છે. પાંદડા પીળા પડી જાય છે, તેના પર ડાઘ દેખાવા લાગે છે, ડાળીઓ સુકાઈ જાય છે અથવા ફળ બેસતા પહેલા જ ખરી પડે છે.
આવી સ્થિતિમાં મોટાભાગના લોકો સમજી શકતા નથી કે સમસ્યા શું છે. સાચું તો એ છે કે દરેક છોડ બીમાર પડતાં પહેલાં પોતાના લક્ષણો દર્શાવવાનું શરૂ કરી દે છે, બસ આપણને તે સંકેતો ઓળખતા આવડવું જોઈએ. જો શરૂઆતના લક્ષણો પર ધ્યાન આપવામાં આવે તો મોંઘી દવાઓ વિના પણ સરળ ઘરેલું અને ઓર્ગેનિક પદ્ધતિઓથી છોડને બચાવી શકાય છે. ચાલો જાણીએ છોડમાં દેખાતા 6 સૌથી સામાન્ય લક્ષણો, તેની પાછળના કારણો અને તેને ઠીક કરવાના સરળ ઉપાયો.
1. પાંદડા પર સફેદ લીટા કે રેખાઓ દેખાય: કીટકોનો હુમલો
જો લીલા પાંદડા પર સફેદ, વાંકાચૂકા લીટા અથવા સુરંગ જેવી આકૃતિઓ દેખાઈ રહી હોય, તો આ ‘લીફ માઇનર’ (Leaf Miner) જેવા કીટકોનો સંકેત હોઈ શકે છે. આ નાના કીટાણુઓ પાંદડાની અંદર ઘૂસીને તેને અંદરથી નુકસાન પહોંચાડે છે, જેનાથી છોડ ધીમે-ધીમે નબળો પડી જાય છે.
-
શું કરવું? એક લીટર નવશેકા પાણીમાં એક નાની ચમચી લીમડાનું તેલ (Neem Oil) અને બે-ત્રણ ટીપાં લિક્વિડ ડીશ સોપ (વાસણ સાફ કરવાનું પ્રવાહી) મિક્સ કરો. આ મિશ્રણનો અઠવાડિયામાં બે વાર છોડ પર છંટકાવ કરો. તેનાથી કીટકોનો નાશ થશે.
2. પીળા પાંદડા અને કાળા ડાઘા: ફૂગનો ચેપ (Fungal Infection)
જો છોડના પાંદડા પીળા પડી રહ્યા હોય અને તેના પર કાળા, કથ્થઈ કે ભૂરા રંગના ધાબા કે ડાઘા દેખાતા હોય, તો તે ફૂગના કારણે હોઈ શકે છે. છોડને જરૂર કરતાં વધુ પાણી આપવું અથવા કુંડાની માટીમાં લાંબા સમય સુધી ભેજ જળવાઈ રહેવો એ આનું મુખ્ય કારણ છે.
-
શું કરવું? સૌથી પહેલા ચેપગ્રસ્ત (ખરાબ થયેલા) પાંદડાને છોડ પરથી કાપીને દૂર કરો. ત્યારબાદ એક લીટર પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા અને થોડા ટીપાં સરસવનું તેલ (Mustard Oil) મિક્સ કરીને સ્પ્રે કરો. માટીમાં થોડી હળદર ભેળવવાથી પણ ફૂગની અસર ઓછી થાય છે.
3. નસો લીલી રહે પણ આખું પાંદડું પીળું પડી જાય: આયર્નની ખામી
જો છોડના નવા આવી રહેલા પાંદડા પીળા કે હળવા જાંબલી રંગના દેખાતા હોય પરંતુ તેની નસો (Veins) એકદમ લીલી દેખાતી હોય, તો તેનો અર્થ એ છે કે માટીમાં આયર્ન એટલે કે લોહતત્વની ખામી છે.
-
શું કરવું? લોખંડની જૂની કાટ લાગેલી ખીલીઓ અથવા નટ-બોલ્ટને બે દિવસ માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ એ કાટવાળું પાણી છોડની માટીમાં નાખો. આ ઉપરાંત, વપરાયેલી અને સૂકવેલી ચાની પત્તી માટીમાં ભેળવવાથી પણ છોડને સારો ફાયદો થાય છે.
4. કિનારીઓથી પાંદડા સુકાવા લાગે: નાઇટ્રોજનની ખામી
જો છોડના જૂના પાંદડા હળવા પીળા પડી રહ્યા હોય અને તેની કિનારીઓ સુકાયેલી કે બળેલી દેખાતી હોય, તો છોડને નાઇટ્રોજનની જરૂર છે. નાઇટ્રોજનની ઉણપને કારણે છોડનો વિકાસ (Growth) પણ અટકી જાય છે.
-
શું કરવું? કુંડાની માટીમાં સારું વર્મીકમ્પોસ્ટ (અળસિયાનું ખાતર) અથવા જૂનું ગાયનું છાણિયું ખાતર ઉમેરો. જો તમે ઈચ્છો તો વપરાયેલી કોફીના કૂચા (Coffee Grounds) પણ માટીમાં નાખી શકો છો. આનાથી છોડને ભરપૂર નાઇટ્રોજન મળે છે.
5. પાંદડા ઉપર કે નીચેની તરફ વળવા લાગે: પાણીની અછત
ઘણીવાર છોડના પાંદડા પર કોઈ ડાઘ કે કીડા ન હોવા છતાં તે ઉપર કે નીચેની તરફ વળવા અથવા સંકોચાવવા લાગે છે. આ મોટે ભાગે છોડમાં પાણીની કમી હોવાનો સ્પષ્ટ સંકેત છે.
-
શું કરવું? છોડને સારી રીતે પાણી આપો. એટલું પાણી રેડો કે તે કુંડાના નીચેના કાણામાંથી બહાર નીકળવા લાગે. આ સાથે જ પાંદડા પર પાણીનો હળવો છંટકાવ (Misting) પણ કરો. થોડા જ કલાકોમાં છોડ ફરીથી તાજોમાજો થઈ જશે.
6. ડાળીઓ ઉપરથી કાળી પડવી: ‘ડાઈ બેક’ રોગનો સંકેત
જો છોડની ડાળીઓ ઉપરની ટોચ પરથી કાળી પડીને નીચેની તરફ સુકાવા લાગે, તો આ ‘ડાઈ બેક’ (Die-Back) નામની ખતરનાક બીમારી હોઈ શકે છે. જો સમયસર આના પર ધ્યાન ન આપવામાં આવે તો આખો છોડ સુકાઈને નાશ પામે છે.
-
શું કરવું? એક સાફ કાતર કે કટર લો અને ડાળીના કાળા પડેલા હિસ્સાથી અંદાજે બે ઇંચ નીચેથી તંદુરસ્ત ભાગ સુધી તેને કાપી નાખો. કાપેલા ભાગ પર એલોવેરા જેલ અથવા હળદરની ઘટ્ટ પેસ્ટ લગાવી દો, જેથી ત્યાં ફરીથી કોઈ ઇન્ફેક્શન ન લાગે.
બોનસ ટીપ: ફૂલ આવ્યા પછી ફળ ખરી પડે છે? પોટેશિયમની ખામી
જો તમારા છોડમાં ફૂલ આવ્યા પછી પણ નાના-નાના ફળ પીળા થઈને ખરી પડતા હોય, તો માટીમાં પોટેશિયમ (Potassium) ની ઉણપ હોઈ શકે છે.
-
શું કરવું? ત્રણ-ચાર કેળાની છાલને બે દિવસ માટે પાણીમાં પલાળી રાખો (Banana Peel Fertilizer). ત્યારબાદ એ પાણીમાં એટલું જ સાદું પાણી મિક્સ કરીને છોડના મૂળમાં નાખો. આ કુદરતી ખાતરથી છોડને ભરપૂર પોટેશિયમ મળશે અને ફળ મજબૂત બનીને છોડ પર ટકી રહેશે.
આ પણ વાંચોઃ પાટણમાં કળિયુગી પિતરાઈ ભાઈનું શરમનાક કૃત્ય: બીમાર પત્નીનું બહાનું કાઢી 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ!
આ પણ વાંચોઃ ભારત-ઈંગ્લેન્ડ મેચનું શેડ્યૂલ બદલાયું, ક્રિકેટપ્રેમીઓ માટે મોટી અપડેટ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












