નકલી નોટના સોદાગર પ્રદીપ જોટંગીયાનો વાઘના ચામડા પર બિરાજતા ફોટા વાયરલ

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા નકલી નોટના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ, મુખ્ય આરોપી પ્રદીપ જોટંગીયાની એક પછી એક ચોંકાવનારી કાળી કરતૂતો સામે આવી રહી છે. નકલી નોટના કેસમાં પૂછપરછ દરમિયાન જ આ શખ્સનો ‘ઢોંગી બાબા’ તરીકેનો ચહેરો અને વન્યજીવ સંરક્ષણ કાયદાના ખુલ્લેઆમ ભંગના પુરાવાઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. પ્રદીપ જોટંગીયા પ્રતિબંધિત વાઘના ચામડાનું સિંહાસન બનાવી તેના પર ઠાઠથી બિરાજમાન હોવાના ફોટા અને વીડિયો સામે આવતા સમગ્ર પંથકમાં સળવળાટ મચી ગયો છે.
ભૂતકાળની ફરિયાદ અને વન વિભાગની કામગીરી
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રદીપ જોટંગીયા વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ કાયદાના ભંગનો આ કોઈ નવો મામલો નથી. વર્ષ 2018માં જ આ ઢોંગી પ્રદીપ વિરુદ્ધ વન વિભાગમાં ગંભીર લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે તે ગેરકાયદેસર રીતે વાઘના ચામડાનો ઉપયોગ કરી રહ્યો છે અને તેના પર બેસીને ભક્તોને આશીર્વાદ આપે છે. આ ફરિયાદના આધારે તે સમયે ગાંધીનગર અને કામરેજ વન વિભાગની સંયુક્ત ટીમો દ્વારા તેના આશ્રમ પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. હાલમાં તે સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વન વિભાગની ટીમ આશ્રમમાં સિંહાસન અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓની તપાસ કરતી નજરે પડે છે.
પુરાવાઓનો અભાવ કે મીલીભગત?
નવાઈની વાત એ છે કે, જે-તે સમયે પાડવામાં આવેલા દરોડા દરમિયાન વન વિભાગના અધિકારીઓને આશ્રમમાંથી વાઘના ચામડાનું સિંહાસન કે અન્ય કોઈ ઠોસ પુરાવા મળી આવ્યા ન હતા. તે સમયે પુરાવાઓના અભાવે વન વિભાગે માત્ર પ્રદીપનું નિવેદન નોંધીને સંતોષ માન્યો હતો અને કેસ જાણે અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે જ્યારે તે ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવ્યો છે, ત્યારે વાઘના ચામડા પર બેઠેલા તેના સ્પષ્ટ ફોટાઓ અને વીડિયો વાયરલ થતા વન વિભાગની તે સમયની તપાસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું તે સમયે તપાસમાં ઢીલાશ રાખવામાં આવી હતી? કે પછી પ્રદીપને અગાઉથી જાણ થઈ ગઈ હતી અને તેણે પુરાવાનો નાશ કર્યો હતો?
નકલી નોટથી લઈને વન્યજીવ તસ્કરી સુધીના તાર
પ્રદીપ જોટંગીયા માત્ર નકલી નોટ છાપવાનું જ કામ નહોતો કરતો, પરંતુ તે લોકોની આસ્થા સાથે રમીને પોતે સિદ્ધ પુરુષ હોવાનો દેખાવ કરતો હતો. વાઘના ચામડાનો ઉપયોગ એ ‘વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ’ હેઠળ બિનજામીનપાત્ર ગંભીર ગુનો છે. હવે જ્યારે સોશિયલ મીડિયા પર પુરાવાઓ જાહેરમાં આવ્યા છે, ત્યારે વન વિભાગ પણ ફરીથી આ મામલે સક્રિય થઈ શકે છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં નકલી નોટના નેટવર્કની સાથે-સાથે તેના અન્ય ગુનાહિત કારનામાઓ અને તેને આશ્રય આપનારા સફેદપોશ લોકોના નામ પણ બહાર આવે તેવી પૂરી શક્યતા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: Valsad: વિવા પેનલ કંપનીમાં લાગી ભીષણ આગ આકાશમાં ધુમાડાના ગોટેગોટા












