વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારનું સમર્થન મળ્યું છે. પવારે કહ્યું કે મંત્રીઓની ડિગ્રી પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. કોઈ નેતાએ પોતાના કાર્યકાળ દરમિયાન શું મેળવ્યું છે તેના પર લોકોએ ધ્યાન આપવું જોઈએ. પવારે પીએમ મોદીનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે 2014માં પોતાના કરિશ્માને કારણે ચૂંટણી જીત્યા હતા. ડિગ્રીના આધારે તેમને કોઈએ મત આપ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે રવિવારે જાહેરસભાને સંબોધતા અજિત પવારે કહ્યું, વર્ષ 2014માં શું જનતાએ વડાપ્રધાન મોદીને તેમની ડિગ્રીના આધારે વોટ આપ્યા હતા ? તેમના કરિશ્માએ તેમને મદદ કરી અને તેઓ ચૂંટણી જીતી ગયા. તેમણે કહ્યું, હવે તે નવ વર્ષથી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમની ડિગ્રી વિશે પૂછવું યોગ્ય નથી. આપણે તેમને મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવવા જોઈએ. મંત્રીની ડિગ્રી મહત્વનો મુદ્દો નથી. તેમણે વધુમાં પૂછ્યું કે, તેમની ડિગ્રી અંગે સ્પષ્ટતા મળે તો શું મોંઘવારી ઘટશે ? શું લોકોને તેમની ડિગ્રીની સ્થિતિ જાણ્યા પછી નોકરી મળશે ?
આ પણ વાંચો : G20 : ગુજરાતના ગૌરવસમા સૂર્યમંદિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રતિનિધિઓ સાથે જોડાયા
તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ તેમની કોલેજની ડિગ્રી જાહેરમાં રાખવી જોઈએ. દિલ્હીના સીએમએ પોતાના ટ્વિટમાં કહ્યું કે, શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પીએમએ કેટલું શિક્ષણ મેળવ્યું છે ? તેમણે કોર્ટમાં તેમની ડિગ્રી બતાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો… શા માટે ? અને તેમની ડિગ્રી જોવાની માંગણી કરનારાને દંડ થશે ? આ શું થઈ રહ્યું છે ? અભણ કે ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક છે.